• અધ્યક્ષને તેમની કામગીરી અંગે મળી રહ્યું છે બહોળું જન સમર્થન, મહિલા કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ
• અધ્યક્ષે પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તેને મજબૂત બનાવી પક્ષ હિતાર્થે જુસ્સાભેર કામગીરી કરવાનું વચન આપ્યું
• પક્ષની વિચારધારા સાથે કદમથી કદમ મિલાવી મહિલા અત્યાચાર સામે પણ અવાજ બુલંદ કરાશે
અમદાવાદ: સંજય જાની
દેશની કટ્ટર ઈમાનદાર રાષ્ટ્રીય આમ આદમી પાર્ટી દિલ્હી સહિતના રાજ્યોમાં વિકસિત બની છે ત્યારે ગુજરાતની પવિત્ર ભોમકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે શ્રીમતી રીટાબેન વિરોજાની છેલ્લા 18 મહિનાથી નિયુક્તિ કરવામાં આવી છે. પાર્ટીના સુપ્રીમો અને દિલ્હી વિધાનસભાના ઈમાનદાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ તમામ હોદ્દેદારો અને ખાસ કરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મોવડી મંડળે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલાઓનું સંગઠન વધારવા સાથે પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાની અપેક્ષા અને વિશ્વાસ રાખીને રીટાબેન વિરોજાના નેતૃત્વમાં પક્ષનું મહિલા માળખું વધુમાં વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જેના પ્રત્યુતરમાં મહિલા મોરચાના અધ્યક્ષે પોતાના ઉપર પ્રદેશ કક્ષાએથી મૂકવામાં આવેલા વિશ્વાસને મજબૂત બનાવીને પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડી પક્ષ હિતાર્થે જુસ્સાભેર પ્રગતિશીલ કામગીરી કરવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ તેઓએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષની વિચારધારાને સાથે રાખીને મહિલાઓ ઉપરના અત્યાચાર તેમજ જિલ્લામાં વ્યાપક બનેલી ભ્રષ્ટાચારની બદીને નાબૂદ કરવા માટે પણ મહિલાઓના સહકારે સક્રિય ભૂમિકા ભજવવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત શ્રીમતી રીટાબેન વિરોજાએ વાત કરતા કહ્યું હતું કે, પાર્ટીએ મારામાં જે વિશ્વાસ મૂકીને સ્થાન આપ્યું છે તેને લઈને મારી જવાબદારી વધી જાય છે. જે જવાબદારીના ભાગરૂપે તમામ પડકારોને ઝીલીને પક્ષને મજબૂત બનાવવા તેમજ પક્ષના સંગઠન માળખામાં મહિલાઓની સંખ્યા બહોળી કરવા સાથે પક્ષની વિચારધારા સાથે જોડાયેલી મહિલાઓમાં નવો જોમ અને જુસ્સો ભરી પક્ષની વિચારધારા સાથે કદમથી કદમ મિલાવીને મહિલા મોરચાના માળખાને વધુ મજબૂત કરવામાં આવશે. તેઓએ પોતાના અનુભવ ટાંકતા કહ્યું હતું કે, લોક સંપર્ક દરમિયાન તેમને મળેલી ફરિયાદોમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો રહી છે. ખાસ કરીને ભાજપના આગેવાનો અને તેમના મળતીયાઓ દ્વારા સરકારની વિવિધ કચેરીના વિભાગોમાં મોટા પ્રમાણમાં દખલગીરી અને ગેરરીતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. જેને નાબૂદ કરવાનું પ્રથમ લક્ષ તેઓ સેવી રહ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મહિલાઓની મુખ્ય પીડા તેમના પરિવારના પુરુષોમાં વધી રહેલું દારૂનું વ્યસન અને તેના થકી શારીરિક, માનસિક અને આર્થિક અત્યાચારની વધી ગયેલી પરાકાષ્ઠાને નાબૂદ કરવાનું છે. વર્તમાન ભાજપની રાજ્ય સરકારે વિધાનસભામાં દારૂ સંબંધિત કડક કાયદો બનાવ્યો પરંતુ તે માત્ર કાગળ ઉપર રહ્યો છે. જેમાં કોઈ જ નક્કર ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આવનારા દિવસોમાં આ બદી દૂર થાય અને મહિલાઓ પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં સ્વતંત્ર રીતે જીવન નિર્વાહ કરી શકે તે દિશામાં નક્કર કાર્યવાહી કરી ભવિષ્યમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ ન સર્જાય તેવા પ્રયાસો સાથે કાર્યવાહી કરીને પક્ષમાં વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ જોડાય તેવા સફળતાપૂર્વકના પ્રયાસો હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી.