મેહોણામાં મહિલાની અસમજણના કારણે પરિવારની ખાનગી વાત વાનગી બની ગઈ અને એની મજા ગામ આખા લીધી
•ઘરે આવેલા બહેન અને ભાણી માટે ભાઈ ખમણ લાવ્યો, પત્ની- બાળકોને ખાવા આગ્રહ ન કર્યો તો પત્નીએ ઉગ્ર થઈ ઘર માથે લીધું
• ખમણ મુદ્દે ઘરમાં મહાભારત સર્જાયું, પતિ કંટાળીને નોકરી પર જતો રહ્યો ને પત્ની બાળકો મૂકી ઘરમાંથી બહાર જતી રહી
• પતિની શાન ઠેકાણે લાવવા પત્નીએ મહિલા સહાયતા કેન્દ્રની મદદ લીધી, અંતે સખી વન સ્ટોપના કાર્યકરોએ સમાધાન લાવી દીધું
• આખા દિવસની સમજાવટ બાદ કહેવાય છે કે પતિએ પણ હવે ખમણ નામની વસ્તુને ખરીદીને ઘરમાં નહીં લાવવા પાણી લઈ લીધું!
મહેસાણા: અપના મિજાજ ન્યુઝ
મહેસાણાના એક વિસ્તારમાં રહેતા યુવાનના ઘરે આવેલી તેની બહેન અને ભાણીને ‘ખમણ’ ખાવાની ઈચ્છા થતાં ભાઈ બજારમાંથી ખમણ લઈ આવ્યો હતો. જે ખમણ આરોગતી વખતે ભાઈએ પોતાના બાળક અને પત્નીને ખમણ ખાવા આગ્રહ નહીં કરતાં પત્નીએ પોતાના મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પતિ પર વાક્બાણ ચલાવી પતિનો ઉધડો લઈ લીધો હતો. બહેન અને ભાણીને ખમણ પીરસીને ભાઈએ જાણે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો હોય એ રીતે ભાઈની પત્નીએ ગૃહ યુદ્ધ છેડી દેતા ઘરમાં ખમણના મુદ્દે મહાભારત સર્જાઈ ગયું હતું. લાંબો સમય પતિ પત્ની વચ્ચે જોર સોરથી ચાલેલી તકરાર વચ્ચે ભાઈ નોકરી જવા માટે ઘરેથી રવાના થઈ ગયો હતો. બીજી તરફ પતિના વર્તનથી ખમણમાં ભભરાવેલા મરચાંની જેમ તમતમી ગયેલી પત્ની પણ પોતાના સંતાન મૂકીને ઘરમાંથી બહાર જતી રહી હતી.
ખમણના મુદ્દે ઘરમાં ઘમાસણ મચી ગયું હતું. ઘરે સંતાનો મૂકીને નીકળી ગયેલી પત્નીનું મગજ ઠંડક પકડતું ન હતું. અંતે પત્નીએ નિર્ણય કર્યો કે પતિની શાન ઠેકાણે લાવવા ‘કાયદો’ જ મદદરૂપ બની શકશે. સંભવત એ વિચારે પત્ની શહેરના રાજમહેલ સંકુલમાં આવેલી સખીવન સ્ટોપના મહિલા સહાયતા કેન્દ્રના આંગણે પહોંચી હતી અને અહીં ઉપસ્થિત સંચાલિકા હંસાબેન સોલંકી સહિતના કર્મચારીઓને પતિ તેને અનેકવિધ પ્રકારે ત્રાસ આપતો હોવાની રજૂઆત કરી હતી. જોકે ઉગ્ર મિજાજે આવેલી મહિલાની વાત સખી વન સ્ટોપના સંચાલકોએ શાંતિપૂર્વક સાંભળી તમામ હકીકત મેળવતા જાણકારી મળી હતી કે મહિલાનો પતિ બે વર્ષ અગાઉ રાજસ્થાનના કોઈ એક વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો જ્યાં તેની આ મહિલા સાથે આંખ મળી જતા બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા અને તેમને સંતાનો પણ છે.
છેલ્લા બે વર્ષથી મહેસાણામાં રહેતી પરિણીતાના ઘરે તેમના નણંદ અને દીકરી આવ્યા હતા. જેથી મહિલાના પતિએ પોતાની બહેન અને ભાણીને શું ખાવું છે તેવું પૂછ્યું હતું. જેથી ભાણીએ ‘ખમણ’ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે મામા પોતાની ભાણી માટે ખમણ બજારમાંથી લઈ આવ્યા હતા. જે ખમણ આરોગતી વખતે ભાઈએ પોતાના સંતાનો અને પત્નીને ખમણ ખાવાનો આગ્રહ નહીં કરતાં પત્નીએ તેમને કહ્યું હતું કે તમે આપણા બાળકો અને મને કેમ ખમણ ખાવા માટે પૂછ્યું નહીં? બસ આ એક જ વાક્ય અને પ્રશ્નથી દંપતી વચ્ચે ઘમાસાણ વા્કયુદ્ધ છેડાઈ ગયું હતું અને ખૂબ લાંબો સમય ચાલ્યું હતું. જે બાબત જાણીને ખુદ સખીવન સ્ટોપના સંચાલિકા અને કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને બહેનને આટલી મામુલી બાબતમાં ઘરે સંતાનને એકલા મૂકી પતિની ફરિયાદ લઈને આમ આવી ન જવાય તેવી સમજણ આપી હતી. જોકે સખીવન સ્ટોપના સંચાલિકાએ કલાકોની સમજાવટ બાદ તેના પતિને પણ સેન્ટર પર બોલાવ્યો હતો અને બંને વચ્ચે ઊભી થયેલી ગેરસમજની દીવાલ ધરાશાયી કરી દીધી હતી. અંતે દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવી બંનેને હસતા મુખડે ઘરે જવા સમજાવી દેવામાં આવ્યા હતા. આમ, આખાય કિસ્સામાં મામુલી વાતમાં સમજણનો અભાવ હોવાની બાબત કહી શકાય તેમ છે. જોકે અહીં એવું કહેવું પણ અયોગ્ય નથી કે ઘર પરિવારના સભ્યોને નહીં સમજી શકનારી મહિલાઓ પોતાના જ સ્વજનો સામે કંકાસ ઉભો કરીને પરિવારની ‘ખાનગી’ વાતોને ‘વાનગી’ બનાવી દેતી હોય છે અને જેની “મજા સમાજ “લેતો હોય છે.
(તમામ તસવીર પ્રતિકાત્મક છે)