Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

સાબરમતી પોલીસ અને પ્રજા એક થયાં

સાબરમતી પોલીસના અધિકારી- કર્મચારીઓએ કરેલી કામગીરી સાંભળીને તાલીઓ ગુંજી ઉઠી


ન્યુ રાણીપના કમુબા પાર્ટી પ્લોટમાં સાબરમતી પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કાર્યક્રમ યોજાયો

 

ધારાસભ્ય, કોર્પોરેટરો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જનતા ઉમટી પડી

પોલીસ અધિકારીઓએ જનતાને સાયબર ક્રાઇમથી બચવાના કીમિયા બતાવી જાગૃત કર્યા

• સાબરમતી પોલીસ મથક તાબાની ઘટનામાં કેવી કામગીરી થઈ તેના અનુભવો જનતા સમક્ષ મુકાયાં

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

          અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ મથક વિસ્તારના ન્યુ રાણીપ સ્થિત કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજાના સમન્વયનો કાર્યક્રમ સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારના નગરસેવકો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનતા સમક્ષ સાબરમતી પોલીસ મથક તાબાના વિસ્તારમાં ઘટી ગયેલી ઘટનાઓમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ અપરાધને અંજામ આપનાર વ્યક્તિઓને પકડી પાડીને ફરિયાદીઓને સંતોષ થાય અને જનતાને પોલીસ પ્રત્યે સન્માન ઉપજે તેવી કામગીરી કરાઈ હતી. જેનો ચિતાર ખુદ ફરિયાદીઓએ જ જનતાની વચ્ચે મુકતા સાબરમતી પોલીસ મથકના પીઆઈ તેમજ તેમની ટીમની ભરપૂર પ્રશંસા સાથે જનતાએ પોલીસ કામગીરીને તાલીઓના ગડગડાટથી વધાવી હતી. ઉપરાંત હસ્ત કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જનતાને સાયબર ક્રાઈમથી તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી કઈ રીતે બચી શકાય તે અંગેની જાણકારી આપીને જાગૃતિ લાવવા ઉપર ભાર મૂક્યો હતો.

         સાબરમતી પોલીસ મથક તાબાના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ માફીઆઓ કેવી રીતે અપરાધિક પ્રવૃત્તિઓને અંજામ આપે છે તે અંગેની વાત કરીને સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચી શકાય તેમ જ ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન ખરીદીમાં કરવામાં આવતી છેતરપિંડી અંગે જાગૃતતા લાવવા પર સાયબર ક્રાઇમ એક્સપર્ટ તેમજ નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ એક્સપર્ટે સાઇબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી પીરસી હતી તેમજ નાયબ પોલીસ કમિશનરે આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન મહત્વનું સાધન બની ગયો છે ત્યારે ફોન દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવા ન દેવો તેવી સમજણ આપી હતી. પોલીસ કમિશનર નીરજ બડગુજરે અન્ય અપરાધોની સરખામણીમાં સાયબર અપરાધોમાં વધારો થયો હોવાનું કહી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સહિત પોલીસ વિભાગ કઈ રીતે સાયબર ક્રાઇમને અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે તે અંગેની વિસ્તૃત જાણકારી ઉપસ્થિત પ્રજાજનોને આપી હતી.

        કાર્યક્રમમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં બનેલી ચોરી, લૂંટ સહિતની ઘટનામાં ફરિયાદ કરનાર ફરિયાદીઓએ ઉપસ્થિત રહીને સાબરમતી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ એન પટેલે ત્વરિત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાને અંજામ આપનાર તત્વોને પકડી પાડીને કરેલી પ્રશંસનીય કામગીરી ખુદ ફરિયાદીઓએ જનતા સમક્ષ મૂકીને સાબરમતી પોલીસ મથકના અધિકારી અને કર્મચારીઓ જનતાની સેવા માટે કેટલાક પ્રમાણમાં તત્પર છે તેનું ‘પ્રમાણપત્ર’ આપ્યું હતું. પોલીસની પ્રશંશની કામગીરીની વિગતો ખુદ ફરિયાદીઓના મુખેથી સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાજ્ય સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવા માટે કઈ રીતે કામગીરી કરે છે તેની વિગતો જનતા સમક્ષ મૂકી હતી. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે કેટ કેટલાય પડકારો ઝીલીને પોલીસના જવાનો જનતાની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર તમામ પડકારોનો સામનો કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જે માટે તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાબરમતી પોલીસ મથકના પીઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

        કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કોર્પોરેટરો દશરથ પટેલ, વિરલ વ્યાસ,અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ, એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડી વી રાણા, પીએસઆઇ ઉર્વશીબેન કે પંડ્યા, પીએસઆઇ આઇ કે મોથલીયા, પીએસઆઇ એચ જી દેવમણી, એએસઆઈ એ જે પ્રજાપતિ સાથે સાબરમતી, રાણીપ,ચાંદલોડિયા અને ચાંદખેડાના કોર્પોરેટરો સાથે બહોળી સંખ્યામાં ન્યુ રાણીપ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન આરજે મેઘા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સાબરમતી પોલીસ મથકના પીઆઇ એ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનનાર જનતા તેમજ આયોજકોનો આભાર માન્યો હતો.

Related posts

કલોલ મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી

ApnaMijaj

ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બન્યું

ApnaMijaj

ગાંધીનગર LCBએ નશેડીઓની થર્ટી ફર્સ્ટ બગાડી!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!