Apna Mijaj News
પ્રશંસાપાત્ર કાર્ય

આ છે કલોલ “ધનવંતરી આરોગ્યરથ”ના અનમોલ ‘રત્નો’!

કલોલ તાલુકાના 52 ગામોમાં કામ કરતાં શ્રમિકો સરકારની મફત આરોગ્યની યોજનાથી મેળવે છે રક્ષા કવચ 

કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર તાલુકા ભરના શ્રમજીવીઓ માટે ખરા અર્થમાં ધનવંતરી સાબિત થયા: શ્રમીકો દુઆમાં યાદ રાખશે

• ઉદ્યોગ અને બાંધકામ એકમો ઉપર કામ કરતા શ્રમિકોની ચિંતા કરી તેમના સુધી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી

રજાના અભાવે અથવા તો ચાલશે, થશે ત્યારે જોયું જશે એમ વિચારીને આરોગ્યનું નિદાન ન કરાવતા શ્રમિકો માટે લાભા લાભ

• આરોગ્ય નિદાન માટે કોઈ કારણોસર ન જઈ શકતા શ્રમિકો સુધી પહોંચીને કલોલનો ધનવંતરી આરોગ્ય રથ સેવા આપે છે

વર્તમાન સમયની કાળઝાળ ગરમીમાં ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓની મહેનત શ્રમિકોને આપે છે આરોગ્ય લક્ષી ઠંડક

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

       આમ તો ધનવંતરીનો અર્થ એવો થાય છે કે સમુદ્ર મંથન વખતે નીકળેલા 14 રત્નો પૈકીનું એક રતન. જ્યારે પુરાણોમાં દેવી-દેવતાઓની ચિકિત્સા માટે કાર્ય કરનાર વૈદ એટલે ધનવંતરી. ગુજરાત સરકારે પણ રાજ્યમાં વિવિધ ઉદ્યોગ તેમજ બાંધકામ એકમો ઉપર કામ કરતા શ્રમિકોના આરોગ્યની ચિંતા સેવીને ‘ધનવંતરી આરોગ્ય રથ’ નામની યોજના વર્ષ 2013ના ઠરાવથી અમલમાં મૂકી છે. જે યોજના અંતર્ગત રાજ્યભરમાં અત્યંત આધુનિક આરોગ્ય લક્ષી સુવિધાઓથી સજ્જ વાહનને ‘ધનવંતરી આરોગ્ય રથ’ રૂપકડું નામ આપીને તદ્દન મફત આરોગ્ય સેવા તેમના ઘર આંગણે પીરસવામાં આવે છે. કલોલ તાલુકાના ધારાસભ્ય લક્ષ્મણજી (બકાજી) પુંજાજી ઠાકોરના પ્રયાસથી તાલુકાના વિવિધ એકમો ઉપર કામ કરતા શ્રમિકોની ચિંતા કરીને અહીં પણ એક ‘ધનવંતરી આરોગ્ય રથ’ કાર્યરત કરવામાં આવ્યો છે. જે રથના સહયોગે અનેક શ્રમિકોના આરોગ્યનું નિદાન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને અહીં એમ પણ કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય બકાજી ઠાકોર શ્રમિકો માટે ખરા અર્થમાં ધનવંતરી સાબિત થયા છે. એટલું જ નહીં પરંતુ કલોલ તાલુકાના ધનવંતરી આરોગ્ય રથમાં ફરજ બજાવતા ડૉ. કવિતાબેન, લેબ ટેકનીશીયન સંધ્યાબેન, પેરા મેડિક દર્શનાબેન, લેબર કાઉન્સિલર પુનમબેન અને રથના સારથી પંકજભાઈ રાવલ શ્રમજીવીઓની તમામ પ્રકારના આરોગ્ય લક્ષી નિદાન સાથે સેવા આપતા સરકારના ‘અનમોલ રત્નો’ સાબિત થતા જોવા મળી રહ્યા છે.

     કલોલ શહેર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક તેમજ બાંધકામ એકમો ઉપર કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારજનોના આરોગ્યને નુકસાન કરે તેવી બીમારી આવી પડે ત્યારે સંભવત્ આર્થિક સંકળામણ, રજાનો અભાવ અથવા તો ચાલશે, થશે ત્યારે જોયું જશે, આવી નાની સુની બીમારી તો આવે ને જાય એમ વિચારીને આરોગ્યનું નિદાન કરાવવા કોઈ ચિકિત્સાલયમાં જતા નથી. એવી બાબત સપાટી ઉપર આવ્યા બાદ અહીંના પ્રજા પ્રેમી ધારાસભ્ય લક્ષ્મણજી (બકા જી) પુંજાજી ઠાકોરે સરકારે શરૂ કરેલી ‘ધનવંતરી આરોગ્ય રથ’ સેવા કલોલ શહેર તેમજ તાલુકા ભરમાં કાર્યરત થાય તે માટે પ્રયાસો આદર્યા હતા. જેના ફળ સ્વરૂપે ગત તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ના અત્યંત આધુનિક આરોગ્ય લક્ષી સુવિધાથી સજ્જ ધન્વંતરી આરોગ્ય રથનું વાહન એક મુખ્ય તબીબ સહિત કુલ પાંચ કર્મચારીઓની નિયુક્તિ સાથે સેવામાં મૂકવામાં આવ્યું છે. જેમના સહયોગથી છેલ્લા છ મહિનામાં કલોલ શહેર તેમજ તાલુકા ભરમાં આવેલા વિવિધ ઉદ્યોગ અને બાંધકામ એકમો પર ધનવંતરી આરોગ્ય રથની ટીમ નિયમિત રીતે પહોંચી જાય છે અને અહીં કામ કરતાં શ્રમિકો તેમજ તેમના પરિવારજનોની આરોગ્ય લક્ષી ચકાસણી કરી તેમને દવા, લેબોરેટરી સહિતની સુવિધા તદ્દન મફત રીતે આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ જો કોઈ શ્રમિકને ગંભીર કે અતિ ગંભીર બીમારી હોય અથવા તો તેમને તાકીદે વધુ સારવારની જરૂર હોય ત્યારે ઈમરજન્સી 108ના સહયોગથી હોસ્પિટલમાં પણ રીફર કરીને તેમને મદદરૂપ બને છે.

છેલ્લા છ મહિનામાં 12,000થી વધુ શ્રમિકોને આરોગ્ય સેવા અપાઈ, ધનવંતરી આરોગ્ય રથના સ્ટાફની આકરી તપસ્યા
        કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરના પ્રયાસથી કલોલ શહેર તેમજ તાલુકા મથકમાં કામ કરતાં શ્રમિકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યો છે. જે રથ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ડૉ. કવિતાબેન, લેબ ટેકનીશીયન સંધ્યાબેન, પેરા મેડિક દર્શનાબેન, લેબર કાઉન્સિલર પુનમબેન અને રથના સારથી પંકજભાઈ રાવલે છેલ્લા છ મહિનામાં 12,000થી પણ વધુ શ્રમજીવીઓની તમામ પ્રકારના આરોગ્ય લક્ષી નિદાન સાથે સેવા આપી સરકારના અભિગમને સાર્થક કરવા આકરી તપસ્યા કરી છે. આમ કલોલ તાલુકા વિસ્તારમાં કાર્યરત ધનવંતરી આરોગ્ય રથના તબીબ સહિતનો સ્ટાફ સરકારની આ યોજનામાં અધ્યતન ટેકનોલોજી સાથે કામગીરી કરી ખરા અર્થમાં સરકારના અમૂલ્ય ‘રત્નો’ બની રહ્યા છે.

ધન્વંતરી યોજના અંતર્ગત આ રીતે કામગીરી કરવામાં આવે છે

     રાજ્યના અસંગઠીત એવા બાંધકામ શ્રમિકો વિવિધ બાંધકામ સાઇટ્સ પર શારીરિક શ્રમ અને આકરી મહેનત કરતા હોય છે. એટલે એમાં એમને શારીરિક ઈજાઓ, જીવનું જોખમ હોવું સ્વાભાવિક હોય છે. અથાગ મહેનત અને ક્યારેક પ્રતિકૂળ વાતાવરણના કારણે તેઓ વિવિધ બીમારીઓનો ભોગ બનતા હોય છે. જેથી બાંધકામ સાઈટ, કડિયા નાકા, બાંધકામ શ્રમિક વસાહતો પર પ્રાથમિક સારવાર થઈ શકે તે હેતુથી સરકારે તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો જેવા સામાન્ય રોગો ટૂંકી પ્રાથમિક સારવાર તથા પેશાબ, લોહી, બ્લડ સુગર, મેલેરિયા જેવી લેબોરિટી તપાસ તેમજ તેમના પરિવારની મહિલા અને બાળકોની પ્રાથમિક સારવાર તેમજ સગર્ભા મહિલાઓની પ્રાથમિક સારવાર સહિતના વિવિધ નિદાન તેઓના સ્થળ પર ઉપર કરવાનો ઉદ્દેશ સરકાર ધરાવે છે. જેને લઈને ‘ધનવંતરી આરોગ્ય રથ’કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ પ્રકારની લેબોરેટરી સુવિધા સાથે સુસજ્જ એવા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા વિના મૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે.

Related posts

કલોલમાં અમિત શાહના હસ્તે તળાવનું રિ ડેવલપમેન્ટ ખાતમુહૂર્ત

ApnaMijaj

મ્યુ. શાળામાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’

ApnaMijaj

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીએ કર્યું આ મહાન કામ…

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!