Apna Mijaj News
Agency News

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

નરહરી અમીન રાજકીય ક્ષેત્રે સક્રીય છે પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેઓ ખૂબ એક્ટિવ રહીને કોલેજકાળથી કાર્ય કરતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીથી સૌ કોઈ પરિચિત છે પરંતુ તેમની સામાજિક સેવાની નેમ પણ સેંકડો લોકોને પ્રેરણા આપે છે. તેઓ અત્યારે રાજકીય ક્ષેત્રે રાજ્યસભાના સાંસદ છે પરંતુ જનસહાયક ટ્રસ્ટ અને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગ્રેસર રહીને વર્ષોથી કામ કરી રહ્યા છે. હેલ્થ, શિક્ષણ ક્ષેત્રે તેમને સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સીમાચિહ્ન કાર્યો કર્યા છે, આગામી સમયમાં જનસહાયક ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ 50 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવી રહ્યા છે. આ વિશેષ અહેવાલમાં તેમની સામાજિક ક્ષેત્રની કામગીરી વિશે તેમણે જણાવ્યું હતું.

સવાલજનસહાયક ટ્રસ્ટ અને અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ આપના નેતૃત્વમાં સોશિયલ વર્ક સાથે આગળ વધી રહ્યા છે, રાજનીતિમાં સેવાકીય કામો સાથે સંસ્થાઓમાં જોડાઈને કામ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?

 

જવાબ જનસહાયક ટ્રસ્ટની સ્થાપના નવગુજરાત કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કરી હતી. કોલેજના સમયથી જ આ સેવાકીય કાર્યો સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. કોલેજમાં હું જીએસ હતો, સેનેટ મેમ્બર પણ બન્યો. એ સમયે સાત મિત્રોએ જનસહાયક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. કોલેજના સમયથી ડાયરા, નાટકોના કાર્યો કરી આર્થિક આવક ટ્રસ્ટ માટે ભેગી કરતા હતા અને તેમાંથી દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવી, ગણવેશ આપવો, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ કરતા હતા. આ શરૂઆત 1977-78થી કરી હતી. જેમ જેમ આર્થિક ભંડોળ વધતું ગયું તેમ તેમ સેવાકીય કાર્યો કરતા ગયા. અમે નિરમા યુનિવર્સિટીની સામે જનસહાયક ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રસ્ટની જમીન લીધી ત્યાર બાદ અમે ત્યાં શૈક્ષણિક સંકુલ ઉભું કરવાનો નિર્ણય લીધો. 2000ની સાલમાં ત્યાં આ શૈક્ષણિક સંકુલ ઉભું કર્યું અને આજે નિરમા યુનિવર્સિટી સામેની હીરામણી સ્કૂલમાં 4200 વિદ્યાર્થીઓ નર્સરીથી ધોરણ 12 કોમર્સ, સાયન્સના અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવી છે. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ બનાવી છે.

 

સવાલવડીલો માટે વૃદ્ધાશ્રમ પણ બનાવ્યું છે.

 

જવાબ 10 કરોડના અંદાજે ખર્ચે હીરામણી સાંધ્યજીવન કૂટીર એટલે કે વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. જ્યાં 60થી 95 વર્ષના 110થી 120 વડીલો છેલ્લા 14થી 15 વર્ષથી રહે છે. 1 કરોડના ખર્ચે 36 દેવી દેવતાઓની મૂર્તિઓ સાથેનું અદ્યતન મંદિર પણ બનાવ્યું છે. 3000થી વધુ પુસ્તકોની અદ્યતન લાયબ્રેરી બનાવી છે. એરકંડીશન સત્સંગ હોલ બનાવ્યો છે. સમસ્ત લેઉવા પટેલના આરાધ્ય દેવી કૂળદેવી મા અન્નપૂર્ણા માતા છે. ત્યાં અડાલજ ખાતે 7 કરોડના ખર્ચે પંચતત્વોના આધારે મંદિર બનાવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠામાં પીએમ નરેન્દ્ર મોદીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંદિરની બાજુમાં 600 વિદ્યાર્થીઓ રહી શકે તે માટેની હોસ્ટેલનું ખાતમૂહુર્ત પણ એ જ દિવસે કરવામાં આવ્યું હતું. 2 વર્ષના સમયમાં એ હોસ્ટેલનું કામ પૂર્ણ કર્યું છે. સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના જે વિદ્યાર્થીઓ રહે છે તેમને રહેવાની ફ્રીમાં વ્યવસ્થા કરી છે. ફક્ત જમવા, લોન્ડ્રીનો ખર્ચ લેવામાં આવે છે. આ સિવાય 50 લાખના ખર્ચે અદ્યતન અન્નુપૂર્ણા ભોજનાલય બનાવ્યું છે. 200 જેટલા વ્યક્તિઓ જમી શકે તેવી વ્યવસ્થા કરી છે. દરરોજ 600 વ્યક્તિઓને ભોજન આપીએ છીએ. 16 મહિનામાં 3 લાખ લોકોને 20 રુપિયામાં અનલિમિટેડ ભોજન લીધું છે. મા અન્નપૂર્ણા શાહી ખિચડી રુ. 5માં આપીએ છીએ.

 

સવાલઅડાલજ અન્નપૂર્ણા મંદિર પરીસરમાં 9000 ચો.વાર જમીન પર 50 કરોડના ખર્ચે 58,000 ચોરસ ફૂટનું હીરામણી આરોગ્યધામ લોકો માટે તમે બનાવી રહ્યા છો, તેમાં કયા પ્રકારની સુવિધા હશે?

 

જવાબ જનસહાયક ટ્રસ્ટ અંતર્ગત જ્યાં અન્નપૂર્ણા માનું મંદિર અને હોસ્ટેલ બનાવી છે એની બાજુમાં જ અમે 11 કરોડના ખર્ચે જગ્યા લીધી છે અને 50 કરોડના ખર્ચે હીરામણી આરોગ્ય ધામ ડે કેર હોસ્પિટલ બનાવી રહ્યા છે. જે એક અલગ પ્રકારના કન્સેપ્ટ સાથે ચાલશે. સવારે 7થી રાત્રે 11 કલાક સુધી ચાલશે. જેમાં કોઈ રેસિડેન્શિયલ રુમ નહીં હોય, કોઈ ઓપરેશન થીયેટર નહીં હોય, જેમાં અદ્યતન બ્લડ બેન્ક, સોનોગ્રાફી તેમજ આયુર્વેદી, હોમિયોપેથીની વ્યવસ્થા ઉપરાંત કન્સલ્ટિંગ રૂમ, નિષ્ણાંત ડૉક્ટરો વગેરેની સુવિધા હશે. નજીવા દરથી હોસ્પિટલ ચાલશે. 60 ટકા જેટલું કામ હોસ્પિટલનું પૂર્ણ કર્યું છે. ડિસેમ્બર 2023માં હોસ્પિટલનું ઉદઘાટન કરવાનો પ્લાન છે. સમગ્ર ગુજરાતમાં અને આજુબાજુમાં લોકોને સારામાં સારી આરોગ્યની સુવિધા મળે તેવી વ્યવસ્થા ઉપરાંત અદ્યતન સાધનો તેમજ સારામાં સારા ડૉક્ટરો મળી રહે તે રીતે હોસ્પિટલ કાર્યરત બનશે.

 

સવાલઆપે 2022માં રાજ્યસભામાં ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાલિસીસ સેન્ટરો શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, દિશામાં તમે સરકાર અને સંસ્થાઓ સાથે જોડાઈને કંઈ કાર્ય વિચારી રહ્યા છો?

 

જવાબ પહેલા હાર્ટએટેક, કેન્સરના દર્દીઓ વધતા હતા તેમ છેલ્લા 1 દાયકાથી કિડનીના દર્દીઓ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. કિડનીના દર્દીઓને ડાયાલિસીસ કરાવવું પડે છે. આ પ્રક્રીયા લાંબી છે જેમાં ડાયાલિસીસમાં વાર પણ લાગે છે. સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં આગળ સરકારના માધ્યમથી કે સરકારી વિભાગો દ્વારા 100 કરતા વધુ સેન્ટરો ગુજરાતમાં ચાલી રહ્યા છે. રાજ્ય સરકારનો અભિગમ છે કે, ધાર્મિક કે સામાજિક ટ્રસ્ટો જેઓ હેલ્થ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, ત્યાં ડાયાલિસીસની સુવિધા ઉભી થાય તેના કારણે દર્દીઓને સુવિધા મળી રહે અને જીવન લાંબુ જીવી શકે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. 20થી 25 કિમીના અંતરમાં આ સુવિધા મળી રહે તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. જનસહાયક ટ્રસ્ટ અંતર્ગત હીરામણી આરોગ્ય ધામ શરૂ કરવા જઈ રહ્યા છે જ્યાં ચેરિટી હોસ્પિટલમાં પણ આ સુવિધા અમે આપીશું.

 

સવાલઆગામી સમયમાં સામાજિક ક્ષેત્રે અન્ય કયા કામો જનસહાય ટ્રસ્ટ થકી તમે જનસુખાકારી માટે કરવા માંગો છો?

 

જવાબ 23 વર્ષમાં લાખો વિદ્યાર્થીઓએ હીરામણીમાંથી અભ્યાસ કર્યો છે. હોસ્ટેલ, મંદિર, ઘરડા ઘર, કેમ્પસ સહિતની સુવિધા સાથે 30 કરોડ કરતા વધુ ખર્ચે આ સહિતની તમામ વ્યવસ્થા અત્યાર સુધી થઈ છે. ઓછી ફી લેવાય છે આ સિવાય અમારું ટ્રસ્ટ કોઈ નફાના દરથી ચાલતું નથી. અમારું જે રીતે જનસહાયક ટ્રસ્ટ છે તેવી જ રીતે અમારું મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ છે. અમારું આ પારિવારિક ટ્રસ્ટ છે. સાંસદ તરીકે અસલાલી ગામ મેં દત્તક લીધું છે. 2 કરોડના ખર્ચે અમારી જ જમીન દાનમાં આપી છે. અમારા ટ્રસ્ટના નેજા હેઠળ 2 કરોડના ખર્ચે આશાભાઈ પુરુષોત્તમ અમીન આરોગ્ય ધામની શરુઆત કરી છે. ત્યાં મેડિકલ સ્ટોર, ફિઝીયોથેરાપી સેન્ટર સહિતની વ્યવસ્થા છે. ફૂલ બોડી ટેસ્ટ નજીવા દરે કરી આપવામાં આવે છે. આવનાર દિવસોમાં ટ્રસ્ટ થકી સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીશું.

 

સવાલઘણા યુવાનો કે જેઓ સામાજિક ક્ષેત્રે આગળ વધવા માંગે છે તેમને શું પ્રેરણા આપવા માંગો છો?

 

જવાબ આર્થિક રીતે સદ્ધર થયા બાદ પણ સમાજ માટેની જવાબદારી જરૂરી છે. આવનારા દિવસોમાં નવી પેઢીને સુવિધા મળી રહે તે માટે તમારી પાસે જે રીતે આર્થિક ભંડોળની વ્યવસ્થા હોય કે સમાજ પાસેથી તમે જે ભંડોળ ભેગા કરી શકતા હોવ એ બધી તમારી કેપેસિટી પ્રમાણેની કંઈકને કંઈક પ્રવૃત્તિ થકી લોકોને મદદરુપ થઈ શકો તે દિશામાં કામ કરો તો જ તમને સંતોષ થશે. રમત ગમત પ્રવૃત્તિ કે સામાજિક, ધાર્મિક, કલ્ચરને લગતી પ્રવૃત્તિ સાથે જોડાઈને પણ લોકોને મદદરુપ થઈ શકે તે રીતે કાર્ય કરતા રહેવું જોઈએ. પરિવારની સાથે સાથે સમાજને પણ મદદરુપ થાય તે પ્રકારના કાર્યો યુવાનો કરે તેવી મારી વિનંતી છે.

Related posts

The interim budget’s emphasis on innovation and growth is promising: Geetanjali Vikram Kirloskar

Active Packers and Movers: Award-winning Shifting and Relocation Service Provider

Aap Ki Adalat’ to host Ex-J&K Chief Minister and DAP chief Gulam Nabi Azad on April 8

Leave a Comment

error: Content is protected !!