• ગાંધીનગરમાં એકલતાનો લાભ લઈને 70 વર્ષના વેવાઈ 67 વર્ષના વેવાણ જોડે પહોંચી જતાં
• વોટ્સએપ ચેટથી પ્રેમનો ભાંડો ફૂટતાં પરિવારમાં મહાભારત સર્જાઈ
• સંબંધોથી હચમચી ગયેલા સંતાનોને માતા પાસેથી અંતે મોબાઈલ લઈ લીધો તો પ્રિયતમને મળવાની તડપ વધી ગઈ
• વેવાણ દેવ દર્શનના બહાને ઘરેથી નીકળી વેવાઈને મળી આપવીતી વર્ણવતા હતા ને દીકરાએ પકડી પાડ્યા
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
ગાંધીનગર શહેરમાં ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં સુખી સંપન્ન પરિવારના વૃદ્ધ વેવાઈ- વેવાણ એકબીજાના ગાઢ પ્રેમમાં પડ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જીવનનાં છેલ્લાં અંતરાલમાં આશરે 67 વર્ષીય વેવાણ અને 70 વર્ષના વેવાઈ એકબીજાના ગાઢ પ્રેમમાં એવા ગળાડૂબ હતા કે એકબીજાને મળવાનો એક પણ મોકો છોડતાં ન હતા. એકબીજાને વારંવાર મળતાં વૃદ્ધ કપલનો ભાંડો સંતાનો આગળ ફૂટી જતાં ઘરમાં મહાભારત શરૂ થઈ ગયું હતું. જો કે સામાજિક પ્રતિષ્ઠા હણાતી હોવાનું જાણીને પરિવારના સભ્યોએ ખૂબ સમજાવ્યા પરંતુ નહીં માનતા અંતે 181 અભયમ સંસ્થાનો સહારો લઈને દાવ પર લાગેલી પ્રતિષ્ઠા બચાવવા હાલ ઘડી પ્રયાસ કરાયો છે. પરંતુ વૃદ્ધત્વની કેડીએ પહોંચેલા વેવાઈ-વેવાણના થનગનતા હૈયા ઠેકાણે રહેશે કે કેમ તે એક પ્રશ્ન હોવાની ચર્ચા ઉઠી છે.
ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં રહેતાં 67 વર્ષીય વેવાણ અને 70 વર્ષના વેવાઈ એકબીજાના પ્રેમમાં પડતાં પરિવારમાં ધ્રુજારી આવી ગઈ છે. વેવાણનો દીકરો અને વેવાઈની દીકરી લગ્ન પછી અમેરિકામાં સ્થાયી થયા છે. અહીં વેવાણ તેમના નાના દીકરાનાં પરિવાર સાથે રહે છે. પતિના અવસાન પછી વૃદ્ધા એકલવાયું જીવન પસાર કરી રહ્યા છે. તો સરકારી નોકરીમાંથી વય નિવૃત થયેલા વેવાઈ પણ તેઓના પરિવાર સાથે રહે છે. જો કે સામાજિક રીતે વેવાઈ- વેવાણને એકબીજા સાથે મળવાનું થતું રહેતું હતું. બંને પોત પોતાના જીવનનાં અંતિમ અંતરાલના દિવસોમાં એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરતાં હતાં. સમય જતાં બન્ને વધુ નજીક આવવા લાગ્યા હતા. બંને એકબીજા સાથે વોટ્સઅપ અને મોબાઈલથી વાતચીત કરતાં પોતાની લાગણીઓ દર્શાવતાં બંને એકબીજાને મળવાના મોકો શોધી વેવાઈ અવારનવાર એકલતાનો લાભ લઈને વેવાણ જોડે પહોંચી જતા હતા.
ધીમે ધીમે બન્ને વચ્ચેની મુલાકાતો અને સતત એકબીજા સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક રોજિંદો બની જતાં સંતાનોને પણ શક પડવા લાગ્યો હતો. ત્યારે એક દિવસ નાના દીકરાએ મોબાઈલમાં વૃદ્ધ માતા અને મોટા ભાઈનાં સસરા વચ્ચેના પ્રેમ સંબંધિત લાગણી દર્શાવતા સંદેશા વાંચી લેતાં સુખી સંપન્ન પરિવારમાં મહાભારત સર્જાઈ ગયું હતું. સંતાનોને વૃદ્ધ માતાને પ્રેમ સંબંધોનો અંત લાવવાનું કહી મોબાઇલ લઈ લીધો હતો. પરંતુ કહેવાય છે કે વૃદ્ધા અવસ્થામાં પણ હૃદયનો ધબકાર મનના માણીગરને પામવા માટે આતુર હતો અને થયું પણ એવું જ… વેવાણ મંદિર જવાના બહાને પોતાના કથિત પ્રિયવર વેવાઈને મળવા માટે દોડી ગયા હતા.
• વેવાણ ઘરે મંદિરે જવાનું કહી વેવાઈને મળવા પહોંચી ગયા પણ…
વૃદ્ધ વેવાણ પાસેથી મોબાઇલ લઈ લેવામાં આવતાં વૃદ્ધ પ્રેમી એકબીજા સાથેના સંપર્ક વિહોણા બની જાય છે. હવે વેવાણની હિલચાલ પર દીકરો નજર રાખવા માંડે છે. તેમ છતાં વૃદ્ધ પ્રેમી એકબીજાને મળવાના મોકા શોધવા લાગે છે. તો બીજી તરફ વેવાઈ પણ ઈન્ફોસિટી વિસ્તારમાં વેવાણનાં ઘર તરફ આંટા ફેરા મારવા માંડે છે. જોકે, મોકો જોઈને વેવાણ મંદિરે દર્શન કરવાના બહાને ઘરેથી નીકળે છે. જ્યાં બંને વૃદ્ધ પ્રેમીઓ એકબીજાની આપવીતી વર્ણવતા હોય છે. એજ ઘડીએ વેવાણનો દીકરો ત્યાં પહોંચી જાય છે અને બંનેને જુદા પાડી દે છે.
• વૃદ્ધ વેવાઈ- વેવાણ છેલ્લા એક વર્ષથી ગળાડૂબ પ્રેમમાં રહી લાગણીઓમાં તણાયા
સામાજિક માન પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાનું કહીને સંતાનો ઘણું સમજાવે પણ પણ પ્રેમી પંખીડા કોઈ રીતે માનવા તૈયાર થતાં નથી. ત્યારે હારી થાકીને નાછૂટકે નાનો દીકરો 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં જાણ કરી પરિવારમાં ઉભી થયેલી સ્થિતિનો ચિતાર આપીને મદદ માંગે છે. પરંતુ પોતાના ઘર પાસે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ જાય તો આખી સોસાયટીમાં ખબર પડી જાય અને આબરૂ ધૂળધાણી થઈ જાય એવી ભીતિએ ઈન્ફોસિટી પોલીસ ચોકીની નજીક એક સ્થળે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનના કાઉન્સિલર ગીતાબેન ખાંટ પોતાની ટીમ સાથે પહોંચી જાય છે. જ્યાં વૃધ્ધા સાથે વાત કરતાં તેમણે વેવાઈ સાથે એક વર્ષથી પ્રેમ સંબંધો હોવાનો એકરાર કર્યો હતો. ટીમ દ્વારા કલાકો સુધી તેઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ત્યારે બંને એકબીજાના પ્રેમ સંબંધોનો અંત લાવવા માટે લેખિતમાં બાંહેધરી આપતાં હાલમાં પરિવારમાં શાંતિ થઈ ગઈ છે.
(તમામ તસવીર પ્રતિકાત્મક છે)