• ‘સખી વન સ્ટોપ’નું ગાંધીનગર સેન્ટર ખરા અર્થમાં મહિલાઓ માટે “સખી” બની પરિવાર સાથે સુખદ મિલનનું માધ્યમ બન્યું’
• આંધ્ર પ્રદેશ અને ગુજરાતના પંચમહાલ જિલ્લાની બે મહિલાઓને ‘માવતર’ સરીખી હુંફ આપવામાં આવી
• પરિવારથી વિખુટી પડેલી મહિલાઓના સ્વજનોને શોધીને સંપૂર્ણ ખરાઈ બાદ પરિવારને હસ્તગત કરવામાં આવી
• મહિલા બાળ વિકાસના જીગર બી. જસાણી અને દહેજ પ્રતિબંધક અધિકારી પૂજાબેન ડોડીયા રક્ષક બની રહ્યા
ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ
ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ યોજનામાં જિલ્લાના ‘પરખ ટ્રષ્ટ’ સંચાલિત સેન્ટર ખાતેથી ગત ૩૦ દિવસમાં ઘરથી વિખુટી પડેલ બે મહિલાઓને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જેમાં આંધ્ર પ્રદેશમાં બેરંગી કોઠકોટા ચિત્તોર ગામના 38 વર્ષના માનસિક અસ્થિર મહિલા ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને સાંતેજના મુલસણા ગામે પહોંચ્યા હતા.
સખી વન સ્ટોપ ગાંધીનગરના સંચાલક માધુરીબેન રાવલ જણાવે છે કે, સાંતેજના મુલસણા ગામના લોકોને એક અજાણી મહિલાના નજરે પડતાં તેમણે ગામના સરપંચને જાણકારી આપી હતી. સરપંચે મહિલાને સાંતેજ પોલીસ સ્ટેશનમાં સોપી હતી. જ્યાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા પૂછપરછ કરતા માનસિક અસ્થિરતાનો ખ્યાલ આવતા, મહિલાને ગાંધીનગર ‘સખી વન સ્ટોપ’ ખાતે મૂકવામાં આવી. જ્યાં આઠ દિવસના આશ્રય દરમિયાન કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા આંધ્ર પ્રદેશની બેરંગી કોઠકોટા ચિત્તોર ગામની વતની છે. અને મોબાઈલ ફોનના માધ્યમથી ભાષા ટ્રાન્સલેટ એપ્લિકેશન દ્વારા તેમની ભાષામાં વાતચીત કરતા, તેનો આત્મવિશ્વાસ કેળવાતા મહિલા પાસે જે આધાર પુરાવા હતા તે તેણીએ બતાવતા તેના આધારે તેનું રહેઠાણ અને પરિવારની શોધ કરી પરિવારને સખી વન સ્ટોપ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યો. મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પરિવારનું પણ કાઉન્સેલિંગ કરી અંતે બધુ યોગ્ય લાગતા તેના પરિવાર સાથે મહિલાનું સુખદ મિલન કરાવવામાં આવ્યુ હતું.
આવો જ બીજો કિસ્સો ચાર માસથી ભૂલી પડી ગયેલ મંદ બુદ્ધિથી પીડિત મહિલાનો છે. આ કિસ્સામાં ભૂલી પડી ગયેલ મહિલાને ગાંધીનગરના પીંડાળા ગામે આવેલ, નાયરા પેટ્રોલ પંપ ખાતેથી અજાણી વ્યક્તિ દ્વારા 181 મહિલા અભયમ હેલ્પલાઇન પર ફોન કરી અભયની ટીમને સોંપવામાં આવી હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન લાગતાં સારવાર માટે અભયમ દ્વારા મહિલાને બાયડ જય અંબે સેવા ટ્રસ્ટમાં મૂકવામાં આવી હતી. જય અંબે ટ્રસ્ટમાં ત્રણ મહિનાનો આશ્રય દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું જાણ થતા, વિવિધ તપાસ કરાવતા મહિલાને સાત માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. મહિલાની માનસિક સ્થિતિ ને જોતા અને ગર્ભવતી હોવાને કારણે યોગ્ય દેખરેખ માટે મહિલાને સખી વન સ્ટોપ સ્ટેન્ટર ગાંધીનગર ખાતે મુકવામાં આવી હતી.જ્યાં મહિલાની યોગ્ય આહાર પોષણની તકેદારી રાખી આત્મીયતા ભર્યુ વાતાવરણ ઊભું કરવામાં આવ્યુ હતુ. કર્મચારી બહેનો દ્વારા મહિલાને હુંફ મળતા તેણે તૂટક તૂટક ભાષામાં આપેલી માહિતી પરથી, તે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના ચાંદપુર વડોદર ગ્રામ્ય વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
આ દરમ્યાન મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ચાર દિવસ સારવાર અર્થે રાખવામાં આવી હતી. ચાર દિવસ પછી સખી વન સ્ટોપ કેન્દ્રમાં તેની દેખરેખ રાખવામાં આવી હતી. મહિલા પાસે મળેલ માહિતી અનુસાર, ગાંધીનગર સખી વન સ્ટોપ કેન્દ્રમાંથી દાહોદ સખીવન સ્ટોપ તથા પંચમહાલ પોલીસનો સંપર્ક કરતા તેમણે ભારે જેહમત ઉઠાવી મહિલાના પરિવારની ભાળ મેળવી હતી. અંતે પરિવારને ગાંધીનગર સખી વન સ્ટોપ કેન્દ્રમાં બોલાવી પુછપરછ કરવામાં આવી હતી. પરિવાર શંકાસ્પદ લાગતાં તેમનું પણ યોગ્ય કાઉન્સેલિંગ કરી લેખિત બાંહેધરી લીધા બાદ યોગ્ય પુરાવા મેળવી મહિલાને તેના પતિ તથા પરિવારને સોંપવામાં આવી હતી.
આમ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત ‘સખી વન સ્ટોપ’નું ગાંધીનગર સેન્ટર ખરા અર્થમાં આવી જરૂરતમંદ મહિલાઓ માટે “સખી” બની તેમને સાથ સહકાર આપી પરિવાર સાથે મિલન કરાવવાનું માધ્યમ બન્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રિત જરૂરિયાતમંદ મહિલાઓને મહિલા બાળ વિકાસના જીગર બી જસાણી અને દહેજ પ્રતિબંધક અધિકારી પૂજાબેન ડોડીયા નો પણ સહકાર મળતો રહ્યો એટલું જ નહીં આ બંને અધિકારી પીડિત મહિલાઓના ‘રક્ષક’ તરીકે પણ ઉભરી આવ્યા છે.