ઋષિ સંસ્કૃતિના પ્રતિકરૂપ એવા કૃષિ સંમેલનનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ
અપના મિજાજ ન્યુઝ: અજય જાની
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામે આર્યસમાજ લુડવાના ૭૫ મા સ્થાપના વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવનો આજે પ્રારંભ કરાવ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ શતાબ્દિના અવસરે કચ્છના લુડવા ખાતે પધારેલા રાજ્યપાલે લુડવા આર્ય સમાજના નૂતન ભવન માટે ભૂમિપૂજન કર્યું હતું. તેમની ઉપસ્થિતિમાં ઋષિ સંસ્કૃતિના પ્રતિકરૂપ કૃષિ સંમેલન યોજાયું હતું.
રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આર્ય સમાજ, લુડવા અનેક સંઘર્ષોનો સામનો કરીને આજે વટવૃક્ષ બની ગયું છે. આર્ય સમાજ, લુડવાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ નિમિત્તે અભિનંદન આપતાં તેઓએ કહ્યું કે, આર્ય સમાજની સ્થાપનાથી લઈને સમાજ ઉદ્ધાર માટે બલિદાન આપનારા તમામ મહાપુરુષોને હું વંદન કરું છું. ઉપરાંત તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત દેશ હાલમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે લુડવા આર્ય સમાજ પણ પોતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આર્થિક ઉપાર્જન માટે ગુજરાતમાંથી અનેક લોકોએ વિદેશમાં જઈને વસવાટ કર્યો પણ પોતાની માતૃભૂમિને ક્યારેય વિસારી નથી. આર્ય સમાજ લુડવાના નવા સંકુલ ભવન માટે સહયોગ આપનારા વેલાણી પરિવાર સહિત માતૃભૂમિના વિકાસ માટે હંમેશાં યોગદાન આપનારા મહાનુભાવોને રાજ્યપાલે ધન્યવાદ આપ્યા હતા.
સ્વામી દયાનંદ સરસ્વતી લિખિત ક્રાંતિકારી સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાંથી પ્રેરણા લઈને આર્ય સમાજની વિચારધારાને આગળ વધારવા રાજ્યપાલે અનુરોધ કર્યો હતો. બાળકોને આર્ય સમાજના મૂલ્યવાન સંસ્કાર આપીને જીવન ઘડતર કરવા સૌ વાલીઓને સૂચન કર્યું હતું. રાજ્યપાલે કહ્યું કે, ધનનો ઉપયોગ ધર્મના કાર્યોમાં કરીને સુખનું પુણ્ય મેળવવું જોઈએ. સ્વામી દયાનંદજીએ જીવનમાં સત્ય શું છે? અસત્ય શું છે? તે સમજાવીને જીવન જીવવા માટેના આદર્શો ચિંધ્યા છે તે માર્ગે ચાલવું જોઈએ. વેદો જ ધર્મનો માર્ગ છે અને તે ઈશ્વરીય વાણી છે. ભગવાન પૂર્ણ છે જેથી વેદો પણ પૂર્ણ છે. આથી વેદો મુજબ આચરણ કરવું જોઈએ. તેમ કહી તેઓએ ઉમેર્યું હતું કે, ભારતને આઝાદી અપાવવા માટે આર્ય સમાજમાંથી પણ અનેક યુવાનોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું. સામાજિક કુરિવાજો દૂર કરવાનું કામ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. દીકરીઓના શિક્ષણની ક્રાંતિકારી શરૂઆતથી માંડીને દુનિયાભરમાં અનેક સમાજ સુધારણાના કાર્યો આર્ય સમાજે કર્યા છે, અને કરી રહ્યો છે. લોકોને વેદોના મહાત્મયનો ફરીથી પરિચય કરાવવાનું કામ આર્ય સમાજની દેન છે. આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી તે એક વિચારધારા છે. રાજ્યપાલે મંચ પરથી લુડવા આર્ય સમાજના નવા સંકુલના બાંધકામ માટે ૨ લાખ રુપિયાની સહયોગ રાશિ આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે વાતના આનંદ સાથે રાજ્યપાલે અત્રેના કૃષિ સંમેલનમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને દેશભરમાં મોડેલ બને તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગામડાઓના ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને તાલીમ અપાઈ રહી છે. આ માટે અલગથી વિશેષ તજજ્ઞોની નિમણૂક કરવામાં આવી રહી છે. ખેડૂતો પોતાનું કૃષિ ઉત્પાદન સીધું જ લોકોને વેચી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. લુડવા ખાતે વેદોના મંત્રોચ્ચાર સાથે પવિત્ર વાતાવરણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાજીએ યજ્ઞમાં આહુતિ આપી હતી. લેડી ગવર્નર શ્રીમતી દર્શનાજીએ “પ્રભુ કે સહારે..” ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજ્યપાલનું કચ્છી પાઘડી, કચ્છી સાલ તેમજ સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.