Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

વિરમગામનો ડૉ. નયન પટેલ પાપમાં પડ્યો?!

સગીરાને સહઅધ્યાયી વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બંધાતા તે ગર્ભવતી બની હતી: પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાઈ હતી

વિરમગામની એન્જલ હોસ્પિટલના તબીબ નયન પટેલે સગીરાનો ગર્ભપાત કરી નાંખતાં ચકચાર

ગર્ભવતી સગીરાના પરિવારજનોની પૂર્વ મંજૂરી લીધી ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ

છ મહિનાનો ગર્ભ કાઢીને તબીબ નયન પટેલે પરિવાર પાસેથી દોઢ લાખ લીધા

ગર્ભપાત બાદ સગીરાની તબિયત બગડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવી પડી

•સગીરાના પરિવારજનોએ સગીર વિરુદ્ધ દુષ્કર્મ અને તબીબે ગર્ભપાત કર્યાની ફરિયાદ નોંધાવી

 

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની 

      વિરમગામમાં અભ્યાસ કરતી એક સગીરાને સાથે ભણતા સગીર સાથે ઓળખાણ થયા બાદ મિત્રતા ગાઢ બનતાં બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જેમાં સગીરા ગર્ભવતી બનતા તેના પરિવારજનો તેને શહેરમાં આવેલી ‘એન્જલ’ હોસ્પિટલના તબીબ નયન પટેલ પાસે લઈ ગયા હતા. જ્યાં તબીબે ચકાસણી કરી છ માસનો ગર્ભ હોવાની ખરાઈ કરી હતી. બાદમાં સગીરાના પરિવારજનોની પૂર્વ મંજૂરી વગર ગર્ભપાત કરી દઈ ગર્ભના નિકાલ સહિતની બાબતમાં દોઢ લાખની રકમ ફી પેટે લઈ લીધાની અને સગીર યુવકે દુષ્કર્મ ગુજાર્યા અંગેની વિરમગામ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે.

સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 29 માર્ચના તેમને તેમના પરિવારજનોમાંથી માહિતી મળી હતી કે તેમની સગીર દીકરીને પેટમાં દુઃખાવો થઈ રહ્યો હોઈ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા. જે બાદ સમય સમયાંતરે સોનોગ્રાફી દ્વારા તેનું નિદાન કરાવતા શહેરમાં આવેલી એન્જલ હોસ્પિટલના તબીબ નયન પટેલે સગીરાની માતા અને બહેનને કહ્યું હતું કે, સગીરાને છ માસ ઉપરનો ગર્ભ છે. જે કાઢવો પડશે તેમ જણાવ્યું હતું. પરંતુ સગીરાની માતા અને બહેને તેમના ઘરના સભ્યોને આ બાબતે પૂછવા થોડો સમય માગ્યો હતો. પરંતુ તબીબે તેમની વાત ન માની સગીરાને હોસ્પિટલમાં દાખલ રાખી હતી. જેથી પરિવારના સભ્યોએ સગીરા સાથે વાત કરતા તેણીએ જણાવ્યું હતું કે તેની સાથે સ્કૂલમાં ભણતા એક સગીર સાથે તેને શારીરિક સંબંધ બંધાતા તે ગર્ભવતી બની છે.

સગીરાની સારવાર માટે કેટલો ખર્ચ થશે તે અંગે પરિવારજનોએ હોસ્પિટલના તબીબ નયન પટેલને પૂછતાં તેઓએ 1.40 લાખનો ખર્ચ કહ્યો હતો. જે બાદ પરિવારજનો હોસ્પિટલમાં રોકાઈ ગયા હતા. જ્યાં તબીબે સગીરાને દુઃખાવાની દવા આપી હતી અને બાદમાં બીજા દિવસે તેઓએ સગીરાનો ગર્ભપાત કરી નાખ્યો હતો. જેથી પરિવારજનો આ અંગે વાંધો ઉપાડી તમે અમારી પૂર્વ મંજૂરી લીધી નથી તેમ કહી તબીબ સાથે વાત કરી હતી. તેમ છતાં તબીબે ગર્ભનો નિકાલ સહિતની દોઢ લાખ રૂપિયાની ફી પરિવારજનો પાસેથી લઈ લીધી હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. જે પછી સગીરાની તબિયત બગડતા તેને પ્રથમ સાણંદ અને બાદમાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે બનાવને લઈને સગીરાના પિતાએ તબીબે પૂર્વ મંજૂરી લીધા વગર ગર્ભપાત કરી દીધો અને સગીરે તેમની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધવી છે.

વિરમગામ પંથકમાં ગર્ભપાતના કિસ્સા વધ્યા હોવાની ચર્ચા, આરોગ્ય તંત્ર અજાણ કે પછી…

        વિરમગામ પંથકમાં ગર્ભપાતના કિસ્સા વ્યાપક પ્રમાણમાં વધ્યા હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. કહેવાય છે કે ગત જાન્યુઆરી મહિનામાં પણ એક ભ્રુણ જાહેર માર્ગ પરથી મળી આવ્યું હતું અને આ અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેમ છતાં પાંચ મહિના પછી પણ પોલીસ એ ઘટનાની સત્યતા હજુ સુધી ઉજાગર કરી શકી નથી. સમગ્ર પંથકમાં બીજી એક ચર્ચા એવી પણ છે કે જિલ્લા કે તાલુકાના આરોગ્ય અધિકારીઓ આ બાબતથી અજાણ છે કે પછી તેમની જ મિલી ભગતથી અમુક તબીબો ગર્ભપાત જેવા પાપાચારને રૂપિયા કમાવાની લાલચમાં ઉત્તેજન આપી રહ્યા છે? આવા પ્રશ્ન પણ જન માનસ ઉપર ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી બની રહે છે.

ગર્ભપાતના કિસ્સા સામે તાલુકાના મુખ્ય આરોગ્ય અધિકારી કેમ મોંમાં મગ ભરીને બેસી ગયા છે?

        વિરમગામ શહેર તેમજ તાલુકામાં સમયાંતરે ગર્ભપાતના કિસ્સા પ્રકાશમાં આવતા જાય છે. ગત જાન્યુઆરી મહિનામાં પણ રસ્તે રજડતા મળી આવેલા ભ્રુણને લઈને શંકાની સોય ‘એન્જલ’ હોસ્પિટલ સામે જ તકાયાની ચર્ચા છે. જેમાં ફરિયાદ થયા બાદ પોલીસ તો કંઈ જ કરી શકી નથી પરંતુ આવા કિસ્સાઓ રોકવા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે તેવા જિલ્લા કે તાલુકાના મુખ્ય આરોગ્ય અધિકારીઓ પણ મોમાં મગ ભરીને બેસી ગયા હોવાની વાતથી જાગૃત નાગરિકો ચિંતા સેવી રહ્યા છે.

શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ તબીબોની હાટડીઓ પણ આરોગ્ય વિભાગને આભારી

     વિરમગામ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બહારના રાજ્યના મેડિકલ પ્રેક્ટિસનોના સર્ટીફીકેટો અથવા તો સ્થાનિક કોઈ અધિકૃત તબીબોના સર્ટીફીકેટો દિવાલ પર ચિપકાવીને કઈ કેટલાય ઊંટ વૈદો માનવીય દર્દીઓની સારવાર કરી રહ્યાં હોવાની ચર્ચા તેજ બની છે. બીજી તરફ પ્રજાજનો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગના સ્થાનિક તેમજ જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારીઓ આવા કહેવાતા બોગસ તબીબો પાસેથી પોતાની ભાગ બટાઈ સાથે સુવ્યવસ્થિત કારસ્તાનને અંજામ આપી માનવીય જિંદગી સાથે રમત રમી રહ્યા છે. જો જનતાની આ વાત સત્ય હોય તો તાલુકા મથકમાં બેઠેલા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ તેવો મત પણ સામે આવી રહ્યો છે.
( વિરમગામ પંથકમાં આરોગ્ય ક્ષેત્રે રહેલી બેદરકારીની સિલસિલા બંધ વિગતો માટે રાહ જુઓ અપના મિજાજ ન્યુઝના અહેવાલની)

(તસવીર પ્રતીકાત્મક છે)

 

Related posts

દી’ ઉગેને અનેક મીડિયા મજૂરોનો થાય છે જન્મ!

ApnaMijaj

રાજ્યમાં કોના રૂપિયા વ્યાજે ફરે છે?

ApnaMijaj

સુરત પોલીસનું ચસ્કી ગયું છે કે શું?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!