મ્યુ. કોર્પો. સંચાલિત સ્મશાન ગૃહોમાં લાકડા પૂરા પાડતી બે સંસ્થાઓને પણ રાજકીય રંગ લાગ્યો: રૂપિયાની લાલચમાં ‘સમભાવ અને જય શ્રી કૃષ્ણ નામ હવામાં ઓગળી જાય તેવા કામ’!
અમદાવાદ મ્યુ. કોર્પો.ના શાસકો જાગો ને સ્મશાનોમાં લાકડાંમાંથીએ લાભ લેવા લૂંટ ચલાવતી બે સંસ્થાઓની હવે તો ‘અંતિમ ક્રિયા’ કરી નાખો!
• નશ્વર દેહના અગ્નિદાહ માટે આપવાના થતાં મૂળ લાકડાં કરતા ઓછા લાકડાં આપી કૌભાંડ કરાતું હોવાના વિપક્ષી નેતાના આક્ષેપ
• કોર્પોરેશને લાકડાં પુરા પાડતા ‘જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘ’ને 15 વખત નોટિસો માત્ર આપી ઠોસ કાર્યવાહી કરવામાં પાછી પાની
• મૃતકોની અંતિમ ક્રિયા માટે લાકડામાં લાભ ખાટી જવાની લાલચે કથિત સંસ્થાના કોન્ટ્રાક્ટરો અનેક લોકોને આર્થિક રીતે લૂંટી લેતા વિપક્ષ લાલઘૂમ
•’જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘ’ને બ્લેક લિસ્ટમાં મુકવા અગાઉ થયેલી દરખાસ્ત હવામાં ઓગળી ગઈ, હવે ‘અંતિમ વિધિ’ જરૂરી
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા 24 જેટલા સ્મશાન ગૃહોનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. જે સ્મશાન ગૃહોમાં મૃતકોની અગ્નિ ક્રિયા કરવા માટે આપવામાં આવતાં લાકડાઓ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ જયશ્રીકૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘ નામની બે એજન્સીઓને આપવામાં આવ્યો છે. જે એજન્સી દ્વારા કોર્પોરેશને નક્કી કરેલી રકમ મૃતકના પરિવારજનો પાસેથી મેળવી તે મુજબની માત્રાના લાકડાનો જથ્થો આપવાનો રહે છે. પરંતુ જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘ નામની એજન્સી નિયત કરેલો લાકડાનો જથ્થો આપતી નથી અને આ માટેના નાણાં પણ વધુ ખંખેરી લેતી હોવાના આક્ષેપ કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણે કર્યા છે. ઉપરાંત તેઓએ ભ્રષ્ટાચાર આચરતી બંને એજન્સીને બ્લેક લિસ્ટ કરવા જેવી “અંતિમ ક્રિયા” કરી દેવા કોર્પોરેશનના શાસકો સમક્ષ બુલંદ માગણી કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતાના જણાવ્યા પ્રમાણે શહેરમાં આવેલા 24 જેટલા સ્મશાન ગૃહોનો વહીવટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યાં અંતિમ ક્રિયા માટે આવતા મૃતદેહોને અગ્નિદાહ આપવા લાકડા પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ જયશ્રીકૃષ્ણ સેવા સંઘ અને સંભવ સેવા સંઘ નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટની શરત મુજબ એક મૃતકના અગ્નિદાહ માટે અંદાજે 240 થી 280 કિલોગ્રામ લાકડા પુરા પાડવાના રહે છે. જેની સામે કોન્ટ્રાક્ટર 799ની રકમ વસુલાત કરે છે. જેની સામે વિપક્ષે નેતાએ વાંધો ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા મૃતદેહને અગ્નિદાહ આપવાની લોખંડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકના દેહને અગ્નિદાહ આપવા માટે 100 થી 125 કિલોગ્રામ જ લાકડા આપવામાં આવે છે અને તેઓની પાસેથી આ લાકડા માટેની રકમ 240 થી 280 કિલોગ્રામ લાકડાંની માત્રા બતાવીને નિયત કરેલી રકમ વસુલાત કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.
વિપક્ષી નેતાના આક્ષેપ મુજબ સ્મશાન ગૃહોમાં થતી મૃતકોની અંતિમ વિધિમાં ગેરરીતિ આચરાતી હોવાની વ્યાપક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતા જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘને 15 જેટલી નોટિસો ફટકારવામાં આવી છે. જે નોટિસોની સંસ્થાના સંચાલકોએ અવગણના કરતા તંત્ર દ્વારા બે વખત હેલ્થ કમિટીમાં આ મુદ્દાને લઈ જઈને સંસ્થાને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. પરંતુ ભાજપ પક્ષના શાસકોની મહેરબાનીથી બંને સંસ્થાઓ ઉપર કરવામાં આવેલી બ્લેક લિસ્ટની દરખાસ્તો પરત મોકલી દેવામાં આવી છે. આમ સત્તા પક્ષ નાગરિકોના મૃત્યુ પછી પણ તેમને મળવી જોઈએ તેવી સુખાકારી સુવિધા આપી શકતો નથી. તેમ કહીને વિપક્ષી નેતાએ આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત ગણાવીને જય શ્રી કૃષ્ણ સેવા સંઘ તેમજ સંભવ સેવા સંઘ સંસ્થાન સામે કડક કાર્યવાહી કરી તેમને બ્લેકલિસ્ટ કરી દેવા માટે માગણી તેજ કરી છે.
• ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને પણ આર્થિક રીતે ચૂસી લેવામાં પાછી પાની કરાતી નથી
શહેરમાં વસવાટ કરતો કોઈ નાગરિક મૃત્યુ પામે અને તે સરકારની બીપીએલ એટલે કે ગરીબી રેખા નીચે જીવતી યાદીમાં આવતો હોય તો તેના અગ્નિદાહ માટે સ્મશાન ગૃહોમાં અપાતા લાકડાં માત્ર 360 રૂપિયામાં જ આપવાના હોય છે પરંતુ તેમની પાસેથી પણ 240 થી 280 કિલોના ભાવને ગણતરીમાં મૂકીને 799 રૂપિયાની રકમ ખંખેરી લેવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જે આક્ષેપો જો સત્ય હોય તો ખરેખર અત્યંત નિંદનીય ગણી શકાય તેમ છે. એટલું જ નહીં સંસ્થાઓ સેવાના નામે કામ કરે છે પરંતુ તે માત્ર દેખાણા પૂરતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મૃતકના પરિવારજનોને આર્થિક રીતે ચૂસી લેવા એ પણ એક અપરાધિક પ્રવૃત્તિ જ ગણી શકાય તેમ છે.
• સંસ્થાઓ ગેરરીતિ આચરે છે તો પછી શાસકો કેમ અંતિમ ક્રિયા કરી નથી નાંખતા?
કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અગ્નિદાહ માટે વપરાતા લાકડાઓમાં પણ લાભ ફાટીને માલામાલ બની જવાની લાલચ સામે વિપક્ષી નેતાએ અવાજ બુલંદ કર્યો છે. એટલું જ નહીં તેઓએ મૃતકોના પરિવારજનોને આર્થિક રીતે ચૂસી લેતી સંસ્થાઓ સામે આકરા પગલા તેમજ સંસ્થાઓને બ્લેકલિસ્ટમાં મુકવા માગણી કરી છે. જો સંસ્થાઓ ગેરરીતિ આચરે જ છે અને તેની સામે વ્યાપક ફરિયાદો છે તો પછી કોર્પોરેશનના સત્તાધીશો શા માટે આવી ભ્રષ્ટ સંસ્થાઓને છાવરી રહ્યા છે? વિપક્ષે નેતાના આક્ષેપોમાં દમ છે તો પછી શાસકોએ ડરને સાઈડમાં મૂકીને ભ્રષ્ટ સંસ્થાઓ સામે બ્લેક લિસ્ટ જેવી ‘અંતિમ ક્રિયા’ કરી દેવા પાછી પાની ન કરવી જોઈએ તેવો પણ મત ઊભો થયો છે.
(તમામ તસવીર પ્રતિકાત્મક છે)