મહેસાણાની આરટીઓ કચેરી દારૂ પીવા માટેનું ઉત્તમ સ્થળ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૂરજ ઢળતો હશે અને સંભવત આરટીઓ કચેરીના પાછળના ભાગના ગ્રાઉન્ડમાં મહેફિલો જામતી હશે. દારૂડિયા તત્વો પણ અહીં ભેગા થઈને ‘મયખાને સે શરાબ સે… સાકી સે જામ સે… અપની તો જિંદગી શુરુ હોતી હૈ શામ સે….’ જેવા શાયરાના અંદાજમાં બીયર તેમજ અલગ અલગ બ્રાન્ડની વિદેશી પ્રકારના દારૂની બોટલના બુચ ખોલીને જામથી જામ ટકરાવતા હશે. અને એટલે જ તો આરટીઓ કચેરીના પાછળના ભાગના ગ્રાઉન્ડમાં દારૂ, બિયર, સોડા પાણીની ખાલી બોટલો અને યુઝ એન્ડ થ્રો વાળા પ્લાસ્ટિકીયા ગ્લાસ વેરણ છેરણ પડેલા જોવા મળી રહ્યાં છે…… હવે મોટો પ્રશ્ન એ થાય છે કે અહીં જામથી જામ ટકરાવીને ઝૂમ બરાબર ઝૂમ થવા માટે કચેરી બહારના કોઈ તત્વો આવે છે કે પછી કચેરીના જ કોઈ સેવકો ટોળે વળીને મહેફીલ જમાવે છે? …. ખેર….. જે હોય તે…. પરંતુ મહેસાણાની આરટીઓ કચેરીનાં પ્રાંગણમાં દારૂની મહેફિલ જામે છે તે તો અહીં પડેલી દારૂ બિયરની ખાલી બોટલો પુરાવા આપી રહી છે.
ખબર તો એ પણ છે કે આરટીઓ કચેરીના કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી આ બાબતે જાણતા હોય તેવી જવાબદારી પોતાના માથે લેશે નહીં…. સંભવત તેઓનો જવાબ એવો પણ હશે કે આરટીઓ કચેરીની કમ્પાઉન્ડ વૉલ નીચી છે એટલે કોઈ દારૂડિયા તત્વો રાત્રિના ભાગે તેમાં પ્રવેશ કરીને મહેફીલ જમાવતા હશે. પરંતુ તેમનો આ જવાબ આપણે વાહિયાત માનવો પડે….! અને એ એટલા માટે કે જો દારૂડિયા તત્વો દિવાલ ઠેકીને દારૂની મહેફીલ માણવા આરટીઓ કચેરીના પ્રાંગણમાં પહોંચી શકતા હોય તો સંભવત કોઈ ચોર તત્વો પણ કચેરીના તાળાં અને દરવાજાના નકુચા તોડી કીમતી ચીજ વસ્તુ કે મહત્વના દસ્તાવેજોની ઉઠાંતરી પણ કરી શકે તેમ છે. એટલે એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી કે આરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દે. તે વાત પણ ચલાવી શકાય તેમ નથી. એટલે પોલીસ પ્રશાસન આ બાબતે આરટીઓ કચેરીના જવાબદારો પાસેથી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી જવાબ માંગે તે પણ એટલું જ જરૂરી બની રહે છે.
બીજો પ્રશ્ન એ પણ છે કે મહેસાણા શહેર તેમજ જિલ્લા ભરમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂ તેમજ બિયર ખૂબ જ આસાનીથી મળી રહેતો હોવાની ચર્ચા કંઈ નવી નથી. કઈ કેટલાય અધિકારીઓ અહીં આવ્યા પરંતુ કોઈ અધિકારી સંપૂર્ણ રીતે આ બદીને ડામી શક્યા નથી. એ વાત પણ એટલી જ સનાતન સત્ય છે. અને એનો પુરાવો છે જિલ્લાનું ભાસરીયા ગામ તેમજ શહેરનો ટીબી રોડ વિસ્તાર… જ્યાં દારૂ નથી મળતો તેમ પોલીસ ના કહી શકે તેમ નથી. કારણકે આ બે સ્થળ દારૂના ધંધાર્થીઓના ગઢ માનવામાં આવી રહ્યા છે. હવે વાત એ છે કે હપ્તા ખોરીની રકમે પોલીસનું લોહી જાણે પાતળું કરી નાખ્યું હોય તે રીતે મહેસાણા જિલ્લાના તેમજ શહેરના વિવિધ વિસ્તારોના બુટલેગરોનો વાળ પણ વાંકો પોલીસ કરી શકી નથી. એવી ચર્ચા વચ્ચે એમ પણ કહેવાય છે કે પોલીસની ‘દાનત’ જ સાફ નથી. નહીં તો નશાનો કારોબાર આમ ફુલ્યો ફાલ્યો ન રહે.