રાજ્યના શહેરો મોટા હોય કે નાના… અરે શહેરોની વાત જવા દો ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ખુલ્લેઆમ આર્યુવેદિક પીણાના નામે માત્ર ૧૨૦ રૂપિયામાં ખુલ્લેઆમ, બે રોકટોક મળી રહ્યો છે નશો. અમુક પાન પાર્લર કે ઠંડા પીણાંની દુકાન પર પહોંચી જાવ એટલે માત્ર રૂ.૧૨૦માં તમે આર્યુવેદિક પીણું માગો ને એ બોટલ ગટગટાવી જાઓ એટલે મગજની નસોને કીક વાગી જાય છે. આ પીણાંનું સેવન કરનાર અમુક જાણકારો એવું કહેતા ફરે છે કે જો બીજી બોટલ ગટગટાવો એટલે આખે આખી અંગ્રેજી દારૂની બોટલ પીધી હોય તેવો નશો થઈ જાય છે. આ અંગેનો અહેવાલ “અપના મિજાજ ન્યુઝ” અખબારના અમારા ગત તા. 6 એપ્રિલના અંક તેમજ વેબ પોર્ટલ પર પ્રકાશિત કર્યા હતા. જે બાદ અમદાવાદ જિલ્લા ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસ મથકના પીઆઇ બીડી ઝીલરીયા અને તેમની ટીમે શહેરના ભરવાડી વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર અને મોબાઇલની દુકાનમાંથી આર્યુવેદિક પીણાના નામે વેચાતી નશાયુક્ત દ્રવ્યની રૂ.૧ લાખથી વધુની બોટલોનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે નશા યુક્ત બોટલોનો મુદ્દામાલ જપ્ત કરી તેની ખરાઈ માટે એફએસએલમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોએ આપેલી વિગતો મુજબ વિરમગામ શહેરમાં આર્યુવેદિકના નામે નશા યુક્ત પીણાંની બોટલો વેચાતી હોવાની બાતમી શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રોહિત માધુભાઈને મળતાં ભરવાડી દરવાજા નજીક આવેલ મેહુલ પાન પાર્લર અને માનવ મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મેહુલ પાન પાર્લરમાં GEREGEM તથા સો ટકા હર્બલ સુનીન્દ્રા માર્કાની બોટલોના બોક્સ પડ્યા હોવાની વિગતો મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન નશા યુક્ત આર્યુવેદિક પ્રોપર્ટરી મેડિસિનની બોટલ નંગ 120, તેમજ હેરી ગોલ્ડ અસ્વાની બોટલ નંગ 40 તેમજ માનવ મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફરની દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની 520 બોટલો મળીને કુલ 680 નંગ બોટલો કિંમત અંદાજિત એક લાખથી વધુની કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
વિરમગામ શહેરમાંથી આર્યુવેદિકના નામે વેચાતી નશા યુક્ત પીણાંની બોટલો અંગે પ્રકાશ પાડતા પીઆઈ બીડી જીલરીયાએ કહ્યું હતું કે સીઆરપીસીની કલમ ૧૦૨ મુજબ પીણાનો જથ્થો કબજે કર્યો છે. જે પીણામાં કેટલા ટકા આલ્કોહોલ છે તે પ્રમાણિત કરવા માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ગેરકાયદે વેચાણ થતા નશા યુક્ત કથિત આર્યુવેદિક પીણામાં આલ્કોહોલનું પ્રમાણ નીતિ નિયમથી પર આવશે તો જેની પાસેથી જથ્થો પકડાયો છે તેમના વિરુદ્ધ અલગથી ગુનો નોંધવામાં આવશે.