કલોલના સીએચસી કેન્દ્રમાં કાર્યરત અમદાવાદની કિડની હોસ્પિટલ સંચાલિત નિ:શુલ્ક ડાયાલિસિસ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થતા સેન્ટરમાં કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી કાર્યરત તદ્દન મફત ડાયાલિસિસ સેન્ટરમાં 65 દર્દીઓને કુલ ૪,૭૭૦ ડાયાલિસિસ કરવામાં આવ્યાં આવ્યા છે. જેમાંના પાંચ દર્દીઓએ કિડની ટ્રાન્સપ્લેન પણ કરાવેલી છે. સેન્ટરની બે વર્ષની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ડાયાલિસિસનો લાભ લેનારા દર્દીઓએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. નોંધનીય છે કે કિડનીના દર્દીઓ માટે કલોલનું ડાયાલિસિસ સેન્ટર આર્શીવાદરૂપ સાબિત થયું છે.
કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત અમદાવાદના આઈ કેડી હોસ્પિટલ સંચાલિત નિશુલ્ક ડાયાલિસિસ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી (બકા જી) પુંજાજી ઠાકોરના હસ્તે કેક કાપવામાં આવી હતી. ઉજવણી કાર્યક્રમમાં સામૂહિક કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ ડૉ. ભાવિકાબેન ગામીત, અમદાવાદની કિડની હોસ્પિટલના રીનલ હેલ્થ ઓફિસર એચપી પરમાર, ડાયાલિસિસ સેન્ટરના ઇન્ચાર્જ વિજય મિસ્ત્રી, સ્થાપના વિરાજ બેન તેમજ જયરાજ સહિત સેન્ટરમાં ડાયાલિસિસની સેવા લેનાર દર્દીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રાજ્ય સરકારે કિડનીના દર્દીઓ માટે રાજ્યભરમાં ડાયાલિસિસની મફત સેવા શરૂ કરી છે. જેને એ વન ડાયાલિસિસ પ્રોગ્રામ નામ આપીને કિડનીના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેનો મોટા પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા હોવાની વિગતો કલોલ ડાયાલિસિસ સેન્ટરના ઇન્ચાર્જે આપી હતી.