• રેલ્વે ફાટક બંધ કરી અંડર બ્રિજ સુવિધા ઉભી કરાઈ પણ કામગીરી ચાલે છે ગોકળગતીએ
•ન્યુ રાણીપમાંથી રાણીપ શાળામાં જતા બાળકોને ઓવરબ્રિજનું ચઢાણ સાઈકલથી ચડવું કપરૂં પડે છે
• શોર્ટકટમાં જવા રેલવે ટ્રેક ઓળંગીને જતાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય રહીશોના જીવ માટે જોખમ
અપના મિજાજ ન્યુઝ: ભુમી જાની
ન્યુ રાણીપમાંથી રાણીપ જવા-આવવા માટે જીએસટી રેલવે ફાટક બંધ કરીને ત્યાં અંડર બ્રિજનું નિર્માણ કરી જનતાને સુવિધા ઉભી કરવા માટે તંત્રએ કામગીરી આરંભવી છે. પરંતુ અંદાજે ત્રણ વર્ષથી ચાલતા કામમાં કોઈ ભલીવાર ન હોવાથી અહીં રહેતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય રહીશોને ટ્રેનોથી સતત ધમધમતાં રેલ્વે ટ્રેકને પાર કરીને ન્યુ રાણીપ થી રાણીપ અને રાણીપથી ન્યુ રાણીપ અવરજવર કરવા માટે મજબૂર થવું પડે છે. ગોકળગતીએ ચાલતી અંડર બ્રિજની કામગીરી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો કહેતા આવ્યા છે કે બસ થોડાક જ દિવસોમાં અંદર બ્રિજ શરૂ થઈ જશે. જો કે તેમની આ વાતો તારીખ પે તારીખ જેવી સાબિત થઈ રહી છે. જેથી અહીંના સ્થાનિક ભાજપના નગરસેવકો પણ લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યા હોય તેવી છાપ ઊભી થઈ છે. જનતા ઇચ્છે છે કે તંત્ર દ્વારા અંડર બ્રિજ તાત્કાલિક શરૂ કરી અહીં સુવિધા આપવામાં આવે.
શહેરના મહત્વના વિસ્તાર ગણાતાં રાણીપ નો વિકાસ કુદકે ને ભૂસકે વધ્યો છે. બલોલ નગર પછી જીએસટી રેલવે ક્રોસિંગ પાર કરીને નવા રાણીપનું અસ્તિત્વ ઉભરાયું છે. હજારો લાખોની સંખ્યામાં રહેતા લોકોને રાણીપથી ન્યુ રાણીપ અને ન્યુ રાણીપથી રાણીપ આવન જાવન માટે જીએસટીનો રેલવે ફાટક માથાનો દુઃખાવો બન્યો હતો. જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંબંધિત તંત્ર દ્વારા અહીં રેલવે ફાટક બંધ કરી ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ફાયદાકારક છે પરંતુ જ્યાં રેલવે ફાટક બંધ કરાયો ત્યાં અંડર બ્રિજનું પણ નિર્માણ કરી જનતાને શોર્ટકટ આવન જાવન મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. અંદાજે છેલ્લા ત્રણ વર્ષથી જીએસટી રેલવે ફાટકની અવેજીમાં અન્ડર બ્રીજ શરૂ કરવાનું કામ થઈ રહ્યું છે. પરંતુ ગોકળગતીએ ચાલતી કામગીરીને લઈને અહીંના રહીશો રાણીપથી ન્યુ રાણીપ અને ન્યુ રાણીપ થી રાણીપ આવન જાવન માટે રેલવે ટ્રેક કૂદી રહ્યા છે જે તેમના માટે જીવનું જોખમ સાબિત થઈ રહ્યું છે. અંડર બ્રિજ ક્યારે જનતાની સુવિધા માટે ખુલ્લો મુકવામાં આવશે તેનું કંઈ નક્કી નથી અને કોર્પોરેશનના શાસકો તારીખ પે તારીખ આપી રહ્યા હોવાથી આ બંને વિસ્તારના લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે.
• ન્યુ રાણીપમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ રાણીપની શાળાઓમાં અભ્યાસ કરે છે
ન્યુ રાણીપમાં રહેણાંક ધરાવતા અનેક વિદ્યાર્થીઓની શાળા રાણીપમાં આવેલી હોવાથી તેઓ સાયકલ કે પગપાળા શાળાઓમાં જતા આવતા હોય છે. જોકે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તેઓ સાયકલ લઈને કે પગપાળા ઊંચો ઓવરબ્રિજ ચઢવા ઉતરવામાં મુશ્કેલી સહન કરી રહ્યા છે. જેથી તેઓ શોર્ટકટમાં જ્યાં જીએસટી રેલવે ફાટક હતો ત્યાંથી રેલ્વેના પાટા ઓળંગીને અવરજવર કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે આ ટ્રેક પર સતત રેલવેની અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં તેમને ઘણી વખત સાયકલ ઊંચકીને રેલવે ટ્રેક ઉતાવડે પાર કરવો પડતો હોય છે આમાં ક્યારેક અકસ્માતનો ભય પણ સતાવે છે.
• રેલ્વે ટ્રેક ઓળંગતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો અકસ્માતનો ભોગ બનશે તો જવાબદાર કોણ?
જીએસટી રેલવે સૌરાષ્ટ્ર- કચ્છને જોડતી મહત્વની લાઈન છે અને અહીંથી મોટી સંખ્યામાં ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ અને અન્ય નાગરિકોને રાણીપથી ન્યુ રાણીપ જવા માટે શોર્ટકટ રસ્તો અપનાવો પડતો હોવાથી તેઓ રેલ્વે ટ્રેક કૂદીને અવર-જવર કરતા હોય છે. આવા સંજોગોમાં જો ટ્રેન સાથે અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે તો પછી આ માટેના જવાબદાર કોણ હશે? એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. જેથી શાસકોએ જેમ બને તેમ જલ્દી અહીં રેલવે અંડર બ્રિજનું કામ પૂર્ણ કરી લોકોને સુવિધા આપવા આગળ આવવું પડશે. અન્યથા ટ્રેન સાથેના અકસ્માતમાં કોઈનો જીવ જશે તો જીવનભરની કાળી ટીલી તેમના માથે લાગી શકે છે.
• એક અઠવાડિયામાં અંડર બ્રિજ શરૂ થઈ જશે: નગર સેવક
જીએસટી રેલવે ટ્રેક ઓળંગતા લોકો માથે અકસ્માતનું જોખમ રહેલું છે. અંડર બ્રિજ ક્યારે શરૂ કરવામાં આવશે? આવો પ્રશ્ન ‘અપના મિજાજ ન્યુઝે’ તા.૨૨ ફેબ્રુઆરીએ અહીંના સ્થાનિક નગર સેવક દશરથ પટેલને પૂછ્યો ત્યારે તેઓએ એક અઠવાડિયાની અંદર અંડર બ્રિજ જનતાની સુવિધા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે તેવી વાત કરી હતી. જોકે તેમની વાતમાં કેટલો દમ છે તે તો તેમણે આપેલા સમયમાં જ ખબર પડશે. બીજી તરફ એક આક્ષેપ જનતા તરફથી એવા પણ છે કે અંડર બ્રિજ ખુબ જ સાંકડો બનાવવામાં આવ્યો છે અને જ્યારે અહીં બંને તરફથી વાહનો સામસામે થઈ જશે ત્યારે સંભવત ટ્રાફિક સમસ્યા અને તેને લઈને લોકો વચ્ચે ટકરાર પણ સર્જાઈ શકવાની ભીતિ રહેલી છે.