• શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઇવની પૂર્ણાહુતિ કરાઈ
અપના મિજાજ ન્યુઝ: ભૂમિ જાની
અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમના મિસિંગ સેલ દ્વારા છ દિવસની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 18 પોલીસ સ્ટેશનમાં આયોજિત આ કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઇમ મિસિંગ સેલ સાથે જે તે પોલીસ મથકના કર્મચારીઓ અને માનદ કામગીરી કરતા મહિલા અને બાળમિત્રો (FFWC) ઉત્સાહભેર જોડાયા હતા અને છ દિવસની ડ્રાઇવમાં 41 જેટલા ગુમ લોકોને શોધી કાઢીને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ડ્રાઇવના અંતિમ દિવસે શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશન ખાતે જે તે વિભાગના અધિકારીઓ અને એફ એફ ડબલ્યુ સીના કાર્યકર્તાઓએ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મિસિંગ સેલના અધિકારીઓ અને જે તે પોલીસ મથકના કર્મચારીઓ સાથે મહિલા અને બાળમિત્રોએ એકબીજાના સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં અગમ્ય કારણોસર ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે સીઆઈડી ક્રાઇમની મિસિંગ સેલ શાખા દ્વારા ગત તા. ૦૭થી ૧૨ ફેબ્રુઆરી સુધી અમદાવાદ શહેરના 18 જેટલા પોલીસ મથકોને આવરીને ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ જે તે પોલીસ મથકના કર્મચારીઓ અને મિસિંગ સેલના એફ એફ ડબલ્યુ સીના કાર્યકર્તાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. છ દિવસની ડ્રાઇવમાં તમામ લોકોએ સંકલન સાધીને પોલીસ ચોપડે નોંધાયેલા 41 જેટલાં ગુમ લોકોને શોધી કાઢ્યા હતા. છ દિવસની ખાસ ડ્રાઇવના અંતિમ દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા એએચટીયુ મહિલા પોલીસ મથક ખાતે ડ્રાઇવમાં સામેલ અધિકારીઓ અને મહિલા બાળમિત્રોએ એક બીજાને શુભેચ્છા સન્માન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
ડ્રાઇવના પુર્ણાહુતિ કાર્યક્રમમાં વિભાગીય પોલીસ અધિક્ષક શિવ વર્મા, શ્રીમતી હિમાલા જોશી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એલ રોહિત, નીતાબેન જંગલે, પોલીસ કોન્સ્ટેબલ કેવલ ચૌધરી, નિશાબેન પ્રજાપતિ તેમજ એફ ડબલ્યુ સીના કોઓર્ડીનેટર દિપાલીબેન કંસારા સાથે ડ્રાઇવમાં સહભાગી બનનાર જે તે પોલીસ મથકના કર્મચારીઓ અને એફ એફ ડબલ્યુ સીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણાહુતિ દરમિયાન ગુમ લોકોને શોધી કાઢવાની સરાહનીય કામગીરી કરનાર તમામ લોકોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.