Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

‘રેપીડો’એપથી દોડતા બાઈક ગેરકાયદે

મોટર વ્હીકલ એક્ટનો સરેઆમ ભંગ કરતી એજન્સી સામે તંત્રએ લાલ આંખ કરી

અમદાવાદ-ગાંધીનગરમાં રેપીડો ટેક્સી કંપની દ્વારા બાઈક પર ગેરકાયદે મુસાફરો બેસાડવાનું કૌભાંડ

મોબાઈલ એપ દ્વારા મુસાફરી માટે મોટર વ્હીકલ એક્ટના નિયમોને કોરાણે મૂકી બાઈકો ભાડે અપાય છે

અમદાવાદમાં મુસાફર બેસાડીને ભાડે દોડાવતી બાઈકો સામે કાર્યવાહી કરવા પોલીસ વિભાગે ચક્રો ગતિમાન કર્યા

ગાંધીનગર આરટીઓએ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે બાઈક ભાડે ફેરવતા શખ્સ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી

અમદાવાદમાં પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની ચર્ચાએ જોડ પકડ્યું

 અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

     અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન વ્યવહાર કચેરીના નિયમોને અભેરાઈએ ચડાવીને પોલીસ અને આરટીઓ તંત્રના આશીર્વાદથી એકલદોકલ વ્યક્તિને મુસાફરી માટે ભાડેથી બાઈકની સુવિધા આપવાનાં કૌભાંડનો એક જાગૃત નાગરિકે પર્દાફાશ કર્યો છે. જેને લઇને અમદાવાદ પોલીસની ટ્રાફિક વહીવટ શાખાએ મોબાઈલ એપ ઉપર ઓનલાઇન ચાલતી ‘રેપિડો ટુ વ્હીલર ટેક્સી કંપની’ સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. જ્યારે ગાંધીનગર આરટીઓએ ફરિયાદના આધારે રેપિડો એપ દ્વારા ભાડેથી ફરતા એક બાઈક ચાલક વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટના નિયમોને નેવે મૂકીને તંત્રની મીલીભગતથી ગેરકાયદે મુસાફર બેસાડીને ભાડેથી ફરતી આવી બાઇકો સામે કોઈ જ કાર્યવાહી કરાતી ન હોવાના પણ આક્ષેપો ભરી ચર્ચા થઈ રહી છે.
       અમદાવાદ અને ગાંધીનગરમાં ‘રેપિડો ટુ-વ્હીલર ટેક્સી કંપની’ દ્વારા એક મોબાઇલ એપ બનાવીને ઓનલાઇન બાઇક ભાડે આપવામાં આવી રહી છે. કહેવાય છે કે એકલદોકલ વ્યક્તિને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય ત્યારે આ એપનો ઉપયોગ કરી ગમે ત્યારે ગમે તે સ્થળે બાઈક બોલાવી લેવામાં આવે છે. બાઈક લઇ આવનાર ચાલક મુસાફરને તેના નિયત સ્થળે ભાડું વસુલીને પહોંચતો કરી દે છે. તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતાં આ કૌભાંડ મુદ્દે એક જાગૃત નાગરિકે પી જી પોર્ટલ ઉપર ફરિયાદ કરીને પ્રશાસનનું ધ્યાન દોરતા જવાબદાર અધિકારીઓ હરકતમાં આવ્યા છે. ગાંધીનગરની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રેપિડો ટુવિલર ટેક્સી કંપની કે જે નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીના બાઈક નો ઉપયોગ ટ્રાન્સપોર્ટ તરીકે પરિવહનમાં કરે છે તેની ફરિયાદના આધારે ગત તા. ૦૮ ફેબ્રુઆરીના ઓનલાઇન એપ્લિકેશન પરથી ઓર્ડર કરતા એક વ્યક્તિ બાઈક લઈને આવ્યો હતો. જેની અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવતા તમામ બાબત ગેરકાયદે જણાઈ આવતાં તે અંગેનો મેમો બનાવીને તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી બાઈક જપ્ત કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં પકડાયેલ ગેરકાયદે પરિવહન બાઇકમાં આ ખામી હતી

       ગાંધીનગર સ્થિત આરટીઓ કચેરી દ્વારા રેપિડો ટુવિલર ટેક્સી કંપની પાસેથી ઓનલાઇન એપ્લિકેશન પરથી પરિવહન માટે બાઈક ઓર્ડર કરવામાં આવ્યું હતું. જે અંગે અધિકારીઓએ તપાસ કરતાં જગદીશસિંહ ઝાલા હીરો હોન્ડા સીડી ૧૦૦ બાઈક નં.જીજે ૧૮ સીએન ૮૯૮૧ અંગે ચકાસણી કરતા બાઈક નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીનું હતું. જેનું ઇન્સ્યોરન્સ ગત તા. ૨૨ ઓગસ્ટ 2017ના પૂર્ણ થઈ ગયેલ છે. પીયુસી પણ ન હતું. ઉપરાંત વાહનને ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરવા માટેની કોઈ કાનૂની પરમિટ પણ હતી નહીં. જેથી તંત્ર દ્વારા મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ૬૬(૧) ની પરમિટ જોગવાઈઓનું સંપૂર્ણ પણે ઉલ્લંઘન થતું હોઈ દંડાત્મક કાર્યવાહીની સાથે બાઈક જપ્ત કરવામાં આવ્યું હતું.

બાઈક લઈ આવનાર વ્યક્તિએ અધિકારી સામે આ પ્રમાણે ખુલાસો કર્યો

         પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ગાંધીનગરના અધિકારીઓએ બાઈક લઈ આવનાર વ્યક્તિની પૂછપરછ કરતા તેણે ખુલાસો કરતા કહ્યું હતું કે,’રેપિડો ટુવિલર ટેક્સી કંપની’ના જવાબદારો કોઈ પણ ટ્રાન્સપોર્ટ કે પરમિટના નિયમો કે સરતરનું પાલનના દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર તેઓને રેપીડો એપ્લિકેશનમાં આવતી રાઈડ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જોકે આ બાબત વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓએ અત્યંત ગંભીર ગણીને તેની સામે કાર્યવાહી કરવા હવે લાલ આંખ કરી હોવાનું જાણવા મળે છે.

અમદાવાદમાં અહીં ઓફિસ ધરાવતી કંપની ગેરકાયદે બાઇકો પરિવહન માટે મોકલે છે

     અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ સર્કલ પાસેના એક કોમ્પ્લેક્સમાં કાર્યરત રેપિડો ટુ વ્હીલર ટેક્સી કંપની પોતાનો વહીવટ કરી રહી છે. જે કંપની નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં નોંધાયેલા વાહનોનો ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી વાહનોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર બાઈક જેવા વાહનોને પરિવહન તરીકે ઉપયોગ કરી રહી છે. જે તમામ બાબત ગેરકાયદે હોવાનો આરટીઓ અને પોલીસ વિભાગે પણ ખુલાસો કરી આ બાબતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અમદાવાદમાં નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક અને વહીવટ શાખાએ તપાસના આદેશ આપ્યા

      ‘રેપિડો ટુ વ્હીલર ટેક્સી કંપની’ગેરકાયદે બાઈકો શહેરમાં પરિવહનમાં ઉપયોગ કરી રહ્યું હોવાની ફરિયાદ મળતા અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસે આવેલ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક અને વહીવટ શાખાની કચેરી દ્વારા મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક ‘અ’,’બ’,’ક’અને ‘ડ’ વિભાગને પણ એક પત્ર લખીને બાઈક ઉપર મુસાફરો બેસાડીને અવર-જવર કરી મોટર વહીકલ એક્ટ નો ભંગ કરતા કોઈ મળી આવે તો તેમની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

(તસવીર પ્રતિકાત્મક છે)

Related posts

રાજ્યના શિક્ષણ તંત્રમાં કંઈક રંધાણું એટલે ગંધાણું

ApnaMijaj

અમદાવાદના વહીવટદારોનો ‘વટ’ ઉતરશે કે પછી..?

ApnaMijaj

ગુજરાતમાં ₹120માં ખુલ્લેઆમ મળે છે નશો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!