અર્બન-20 સિટી શેરપા બેઠકના બીજા દિવસે દેશ વિદેશમાંથી આવેલા ડેલિગેટ્સ અમદાવાદ હેરિટેજ વોકમાં સામેલ થયા હતા. વહેલી સવારે સાડા છ વાગ્યે હેરિટેજ વોકનો પ્રારંભ થયો હતો. મહેમાનોએ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, ચબુતરો, ટંકશાળની હવેલી, જામા મસ્જિદ સહિતના સ્થળોની મુલાકાત લઈને અમદાવાદના 500થી વધુ વર્ષ જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક વારસાને નજરે નિહાળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્ચુટી કમિશનર રમ્યા ભટ્ટે અમેરિકા, ઇન્ડોનેશિયા, ઇટલી સહિતના દેશોના મહેમાનોને ઐતિહાસિક સ્થળો વિશે જાણકારી આપી હતી. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના આશિષ ત્રાંબાડિયાએ વોકમાં સામેલ મહેમાનોને અમદાવાદ વિશે રસપ્રદ જાણકારી આપી હતી. વિદેશી મહેમાનો ભવ્ય વારસાને નિહાળીને આનંદિત થયા હતા એટલું જ નહીં તેમણે વિવિધ પ્રશ્નો પૂછીને જાણકારી મેળવી હતી. આ સાથે જ વિદેશી મહેમાનોએ હેરિટેજનો દરજ્જો ધરાવતા હાઉસ ઓફ એમજી ખાતે બ્રેકફાસ્ટ કર્યો હતો.
ગુરુવારે અર્બન-20 સમિટના પ્રથમ દિવસે દિવસભરના સેશન બાદ સાંજે ડેલિગેટ્સ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગાલા ડિનર યોજવામાં આવ્યું હતું. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા જેમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જેવા પાંચ તત્વોનું મહત્ત્વ દર્શાવતું કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રકાશના પર્વ દિવાળી પર આધારિત રજુઆત પણ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો…ને સાંભળીને મહેમાનો રોમાંચિત થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમની અંતિમ રજુઆત જી-20ની થીમ વસુધૈવ કુટુમ્બકમ પર આધારિત હતી.