• સિંધુ ભવન માર્ગે આવેલ ‘કેફે ડિ ઈટાલિયાના’ રેસ્ટોરન્ટના સંચાલકે કિચન વેસ્ટ જાહેર માર્ગ પર ફેંક્યો
• ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે આંખ લાલ કરી
• જો દરેક જગ્યાએ તંત્ર આ રીતે કામગીરી કરે તો જ સ્વચ્છ ભારતનું સપનું સાકાર થઈ શકે
અમદાવાદ : અપના મિજાજ ન્યુઝ
અમદાવાદ શહેરમાં આમ તો ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની નજરે જો કોઈ ગંદકી કરનાર મજબૂત એકમ મળી જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં તંત્ર પીછેહટ કરતું નથી તેનો દાખલો સિંધુ ભવન માર્ગ ઉપર જોવા મળ્યો છે. અહીં આવેલા એક રેસ્ટોરન્ટના સંચાલકે રસોડાનો એઠવાડ જાહેર માર્ગ ઉપર નાખીને ગંદકી કર્યાનું ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની નજરે ચડતા તેઓએ રેસ્ટોરન્ટ સંચાલક સામે લાલ આંખ કરીને વ્યવસાયિક એકમને સીલ લગાવી ગંદકી કરતા અન્ય વ્યવસાયકારોમાં ધાક બેસે તેવી કામગીરી કરી છે. જોકે એક વાત અહીં કરવી જરૂરી છે કે તંત્ર દ્વારા જો દાનત સાફ રાખીને ગંદકી કરતા વ્યવસાયિક એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવે તો સંભવત પ્રધાનમંત્રી મોદીએ જોયેલું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરી શકાય તેમ છે.
સૂત્રો દ્વારા જાણવા મળેલી વિગતો મુજબ શહેરના અતિપોષવિસ્તાર તરીકે જેની ગણના થાય છે તેવા સિંધુભવન માર્ગ ઉપર સ્ટેલર કોમ્પ્લેક્સની સામે આવેલા ૦૩ એરિસ્ટા બિલ્ડિંગમાં કાર્યરત ‘કેફે ડિ ઈટાલિયાના’ રેસ્ટોરન્ટના સંચાલક દેવ મંડલ દ્વારા ખાદ્ય પદાર્થોનો કિચન વેસ્ટ સિંધુ ભવનના અતિ રૂપાળા માર્ગની સાઇડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર રઝડતો ફેંકી દઈને ગંદકી ફેલાવવાનું કૃત્ય કર્યું હોવાનું તંત્રના ધ્યાનમાં આવતા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. રેસ્ટોરેન્ટના સંચાલકે કિચન વેસ્ટ જાહેર માર્ગ ઉપર નાખીને ગંદકી કર્યાનું કોર્પોરેશનના બોડકદેવ સ્થિત ઉત્તર પશ્ચિમ ઝોન વિભાગના સોલીડ વેસ્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કલ્પેશ પટેલ, બોડકદેવ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને પબ્લિક હેલ્થ સુપરવાઇઝર સહિતની ટીમ દ્વારા ‘કેફે ડી ઇટાલીયાના’ રેસ્ટોરન્ટને સીલ લગાવીને નોટિસ ચિપકાવી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
• વિદેશી મહેમાનોના આગમન પૂર્વે તંત્રએ પોતાની પીઠ થબ થબાવી
અર્બન 20ની સમિટને લઈને વિદેશના અને દેશના અમુક રાજ્યોના મહેમાનો અમદાવાદની મુલાકાતે છે. કહેવાય છે કે મોટાભાગના મહેમાનોને સિંધુભવન માર્ગ ઉપર આવેલી તાજ હોટલમાં રહેવા ઊઠવાની સુવિધા આપવામાં આવી છે. જે મહેમાનો ગત તા. 07થી08ના અમદાવાદના આંગણે પધારી રહ્યાં હતા. તે સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ સહિતના વિભાગોના અધિકારી- કર્મચારીઓ દ્વારા રૂપકડા સિંધુ ભવન માર્ગ પર રાતોરાત સુશોભન કરવામાં આવી રહ્યું હતું. કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન આ માર્ગે આવેલી ‘કેફે ડી ઇટાલીયાના’ રેસ્ટોરેન્ટમાંથી જાહેર માર્ગ ઉપર ફેંકી દેવાયેલો કિચન વેસ્ટ તંત્રના કોઈ કર્મચારીની આંખે ચડી ગયો અને રેસ્ટોરન્ટ સામે આકરી કાર્યવાહી કરી પોતાની પીઠ થબ થબાવી છે. જોકે તંત્રનું આ પગલું આવકારદાયક છે પરંતુ શહેરમાં ઠેર ઠેર ગંદકી કરતાં એકમો સામે દૈનિક જો આવી કાર્યવાહી કરવામાં આવે તો શહેરમાં ફેલાતી ગંદકી રોકી શકાય તેમ છે.