આજે તા. 6 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેર કક્ષાની દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન શહેરના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે સવારે 10:00 વાગ્યે કરવામાં આવી હતી. જેમાં વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતોના તાલે ઝૂમીને લોકોને મંત્રમુગ્ધ કરી જમાવટ કરી હતી. ગીત હરીફાઈ માં બહેરામપુરા ની શાળા અવલ આવતા તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિવ્યાંગ બાળકોને હિયરિંગ ડિવાઇસની ભેટ અપાતા ડિવાઇસના સહકારે બાળકો ન સાંભળવાની ગ્રંથિમાંથી ‘આઝાદ’ થતા અહીં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ખરા અર્થમાં દિવ્યાંગો અને તેમના વાલીઓ માટે ‘મહોત્સવ’ બની રહ્યો હતો.
નગર શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત’ કાર્યક્રમમાં રેડ ક્રોસના પ્રોજેક્ટ ‘શ્રુતિ’ કાર્યક્રમ હેઠળ જનનેકસ્ટ કંપની દ્વારા શિક્ષણ સમિતિના સોથી વધુ દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક હીયરિંગ ડિવાઇસની ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે એક ડિવાઇસની કિંમત 15000 રૂપિયાની છે એવા અંદાજે 18 લાખના ડિવાઇસ નિઃશુલ્ક આપવામાં આવ્યાં હતા. કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર, અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી મેયર ગીતાબેન જે પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ કાંતિલાલ બારોટ, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, કોર્પોરેશનના દંડક અરુણસિંહ રાજપુત, મ્યુ. સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા, એએમટીએસ ચેરમેન વલ્લભ પટેલ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલ સેવક આમંત્રિત મહેમાન તરીકે રેડક્રોસના ચેરમેન ડૉ. હર્ષદ શાહ અને વાઇસ પર્સન શ્રુતિબેન ચુડકર, શિક્ષણ સમિતિના શાસન અધિકારી ડૉ. એલડી દેસાઈ અને દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
• ડિવાઇસના ઉપયોગથી દિવ્યાંગ બાળકો પ્રથમ વખત સાંભળતા થયાં
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત રેડ ક્રોસના પ્રોજેક્ટ ‘શ્રુતિ’ હેઠળ જનનેકસ્ટ કંપની દ્વારા શિક્ષણ સમિતિના સોથી વધુ દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક હીયરિંગ ડિવાઇસની ભેટ આપવામાં આવી હતી. જે ડિવાઇસ મેયર કિરીટ પરમાર, વાઈસ મેર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ દ્વારા દિવ્યાંગ બાળકોને લગાવીને તેનો ટેસ્ટ કરવામાં આવતા પ્રથમ વખત જ તે બાળકોને ડિવાઇસ દ્વારા ધ્વનિનો અનુભવ થયો હતો જે એક ગૌરવ ભરી અને બાળકોના માતા-પિતા માટે લાગણીસભર ક્ષણ બની ગઈ હતી.