અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા.
રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેરોજગારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે.
હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ સરકારના વારંવાર પેપરલીંકના અત્યંત ગંભીર અને ગુનાહિત કારનામા સામે વિરોધ વ્યક્ત કરવા તા. ૭ ફેબ્રુઆરી મંગળવારે સવારે ૧૧-૦૦ કલાકે ગાંધી આશ્રમ, સાબરમતીથી કોચરબ આશ્રમ, પાલડી અમદાવાદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલે જણાવ્યું હતુ કે પંડિત જવાહરલાલ નહેરુએ શ્રી ભગવદ ગીતાના ૮માં અધ્યાયના ૨૨ સંસ્કૃત શ્લોકના ઉતારાર્ધ ‘યોગક્ષેમ વહામ્યહમ્’ એટલે કે તમારી સુરક્ષા અમારી જવાબદારીના નેમ સાથે ૧૯ જુન ૧૯૫૬એ લાઈફ ઈન્સ્યોરન્સ એક્ટ લાવી તા.૧ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ એલઆઈસી જેવી સરકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસીને રૂપિયા 33,060 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનું દેવું છે.