• ભાજપના કોર્પોરેટરોએ પોતાના મતવિસ્તારની મુલાકાત લઈ જનતાની સમસ્યા સાંભળી
• જો દરેક ચુંટાયેલો જનતાનો પ્રતિનિધિ આમ કરે તો સાચો જનસેવક કહેવાય
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
મેગાસિટી અમદાવાદની મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો જો સામેથી જનતાના દ્વારે જે તેમની મુશ્કેલી કે અન્ય કોઈ કનડગત અંગે પૃછા કરે અને તેમની વાત સાંભળીને તે મુશ્કેલી કે સમસ્યાનું નિરાકરણ લાવી જનતાના હૃદયમાં સ્થાન મેળવે એજ સાચો નગરસેવક કહેવાય તેવી ચર્ચા આજકાલ રાણીપ વોર્ડમાં થઈ રહી છે. રાણીપમાંથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી જનતાની પસંદગીથી ચૂંટાઈ આવેલા નગરસેવકો સાથે મળીને પોતાના મતવિસ્તારની મુલાકાતે નીકળી તેમના મતદારોને પડતી સમસ્યાઓ સાંભળીને તેને હલ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
આજે પણ રાણીપ વોર્ડ વિસ્તારના નગરસેવક દશરથ પટેલ સાથે યુવા અને ઉત્સાહી નગરસેવકો વિરલ વ્યાસ, ભાવિ બેન પંચાલ ઉપરાંત મહામંત્રી હસમુખભાઈ પંચાલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ રૂપલ ફ્લેટ, કલ્યાણ કુંજ ફ્લેટ, ખોડીયાર ભવાની સોસાયટી, ઈશાવાસ્યમ સોસાયટી અને જય હાટકેશ્વર સોસાયટી સહિતના વોર્ડ વિસ્તારમાં લોક સંપર્ક કાર્યક્રમ હાથ ધર્યો હતો. એટલું જ નહીં તેઓએ પોતાના ચાહક મતદાતાઓને મળીને મહાપાલીકા તાબામાં આવતી કોઈ યોજના કે સગવડતામાં મુશ્કેલી કે સમસ્યા છે કે કેમ તે અંગે જાણકારી મેળવી હતી. જ્યાં પણ થી તેમને કોઈ કોર્પોરેશન સંબંધિત ફરિયાદ મળી તેમાં તેનો નિવેડો લાવવાની તેઓએ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે રાણીપુર વોર્ડના જન પ્રતિનિધિઓ જે પ્રમાણે લોક સંપર્ક થકી તેમની સમસ્યા જાણી તેનો નિવેડો લાવવા પ્રયાસ કરી રહ્યા છે જેની જનતામાં ખૂબ જ પ્રશંસા ભરી છાપ ઊભી થઈ છે.
તદુપરાંત અહીંના નગરસેવકો અને ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલ સહિતના ભાજપના કાર્યકરોએ રાણીપ વોર્ડનાં દિગ્વિજય સ્કૂલ શક્તિ કેન્દ્રનાં બૂથ નંબર ૯૦માં આવતી આશ્રય ૧૦ સોસાયટીમાં મતદારયાદી સુધારા માટેનાં કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રહીશોએ ઉપસ્થિત રહીને તેનો લાભ લીધો હતો.