અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલા એક કેફેમાં કેટલાક શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. તોડફોડ કરનારા નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ગાડી પાર્ક કરવા મુદ્દે થયેલી બોલાચાલીમાં નશામાં ધુત કેટલાક શખ્સોએ કેફેમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે જોકે કાગળ પર કાર્યવાહી ન કરીને પોલીસે આ અટકાયત કરી હોવાનાથી પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઊભા થયા છે.
કેફેના કિચન અને અન્ય સામગ્રીને નુકસાન
જણવી દઈએ કે ગુરુવારે રાત્રે એસપી રિંગરોડ પર આવેલા બાપનો બગીચો નામના કેફેમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. માહિતી મુજબ, તોડફોડ કરનારા લોકો નશામાં હતા. ગાડી પાર્ક કરવાનું કહેતા નશામાં ધૂત આ લોકો ઉશ્કેરાયા હતા અને કેફેના સ્ટાફ સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ કેફેના કિચનમાં અને અન્ય સામગ્રીની તોડફોડ કરી હતી. આથી કેફે માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે.
આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી. સૂત્રો મુજબ પોલીસે આ મામલે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે, પરંતુ કાગળ પર કાર્યવાહી ન કરીને આ અટકાયત સામે સવાલ ઊભા થયા છે. જોકે આ મામલે પોલીસ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.