ભારતીય જનતા પાર્ટી (BJP) એ અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજેપીએ અરુણાચલ પ્રદેશની લુમલા વિધાનસભા સીટ પરથી તસેરિંગ લ્હામુને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે દિલીપ સાહાને પશ્ચિમ બંગાળની સાગરદિઘી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે ઉમેદવારોના નામ પર મહોર મારી દીધી છે.
ચીનની સરહદ નજીક અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં લુમલા વિધાનસભા બેઠક માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 2 માર્ચે આવશે. મુખ્યમંત્રી પેમા ખાંડુના પિતરાઈ ભાઈ અને વર્તમાન ધારાસભ્ય અને ભાજપના નેતા જામ્બે તાશીના આકસ્મિક નિધનને પગલે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. 2 નવેમ્બર, 2021 ના રોજ તેમનું અવસાન થયું.
જયારે પશ્ચિમ બંગાળની સાગરદિઘી સીટ માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 2 માર્ચે આવશે. ભાજપ અહીંથી રાજ્યમાં સત્તા માટે ટીએમસીના ઉમેદવાર સામે લડત આપશે. તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના દેબાશીષ બેનર્જી અહીંથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે હાલના ધારાસભ્યના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ટીએમસીના સુબ્રત સાહાએ અહીંથી 2021ની વિધાનસભા ચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી હતી. સુબ્રત સાહાએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કલ્પના ઘોષને 50 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.