રાજકોટની ડી.એચ કોલેજ ખાતે આવેલા ક્રિકેટ મેદાનમાં સવારે મેચ રમવા મોડા પહોંચેલા યુવાન સાથે માથાકૂટ થયા બાદ તેના પિતા સમાધાન કરવા પહોંચ્યા હતા. ત્યારે ત્રણ શખ્સોએ સ્ટમ્પ અને પાઇપ વડે હુમલો કરતા ત્રણેય પિતા-પુત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતો અભય અજયભાઈ વાઘેલા નામનો ૧૯ વર્ષનો યુવાન સવારે ડી.એચ.ના ક્રિકેટ મેદાન ખાતે મોડો પહોંચ્યો હતો. ત્યારે સામેવાળી ટીમના રૂપેશ નામના શખ્સે ‘તું કેમ મોડો આવ્યો?’ તેમ કહીને માથાકૂટ કરી હતી. જેથી અભય પોતાના પિતા અજયભાઈ અને તેના મોટાભાઈ રાહુલને ફોન કરીને ગ્રાઉન્ડ ખાતે બોલાવી લીધા હતા. જ્યાં અજયભાઈ સામેવાળી ટીમના રૂપેશ સાથે સમાધાનની વાતચીત કરતા હતા તે દરમિયાન રૂપેશે અજયભાઇને બેટ મારી લીધું હતું. ત્યાર બાદ સમીર અને તરુણ નામના શખ્સોએ અજયભાઈ, અભય તેમજ રાહુલ પર સ્ટમ્પ અને પાઇપથી હુમલો કરતા ત્રણેય પિતા-પુત્રોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.