રાજકોટ રુરલ પોલીસ દ્વારા લાંબા સમયથી મિલકત વિરોધ્ધી ગુના ન નોંધતા હોવાની રાવને સાર્થક કરતી ઘટના પ્રકાશમાં આવી છે. મેટોડા, જીલરીયા, પાટી રામપર અને સાલ પીપળીયામાં રામજી મંદિર અને જુદી જુદી જ્ઞાતિના સુરાપુરા દાદાના મંદિરમાં થયેલી ચોરીના ગુના નોંધવાનું રુરલ પોલીસ દ્વારા ટાળ્યું હતું. રુરલ પોલીસનો ગુનાખોરીનો ગ્રાફ ઓછો બતાવવા ચોરીના ગુના ન નોંધાયા હોય તેવા એકાદ ડઝન જેટલા મંદિરને તસ્કરોએ નિશાન બનાવી આભૂષણની ચોરી થયાનું રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને જાણ કરતા પોલીસ સ્ટાફને ચોરીની ઘટના અંગે તપાસના આદેશ કર્યા છે. વિગતો મુજબ મવડી બાપસીતારામ ચોક એન્જલ પાર્કમાં રહેતા અને ભગવતી એન્જીનિયરિંગ નામનું કારખાનું ધરાવતા ગોરધનભાઈ લક્કડ (ઉવ.54)એ આ ચોરીની ઘટનાઓ અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેમાં તેને જણાવ્યું છે કે, ગઈ તા,21/01 ના સવારે સવા છ એક વાગે મને વલ્લભભાઈ ઠાકરશીભાઇ લક્કડ (રહે. મેટોડા જ તા. પડધરી)નો ફોન આવેલ કે આપણુ મેટોડા ખાતેના ખોડીયાર માતાજીના મંદીરમાં ચોરી થયેલ છે. જેથી હું રાજકોટથી મેટોડા આવેલ અને ખોડીયાર માતાજીનું મંદીર અમારા લક્કડ પરીવારનું હોય અને તેનુ સંચાલન હું કરતો હોય પરીવારના તમામ સભ્યોને વાત કરેલ કે હું તા.20ન રોજ સાંજના સાત વાગ્યે હું માતાજીન આરતી કરી મંદીર બંધ કરી તા.21 ન સવારે છ વાગ્યે માતાજીના મંદીરન આરતી કરવા જતા મંદીરનો દરવાજો ખુલ્લો હોય, દાનપેટ ખુલ્લી હોય જેથી મેં બધા ફોનથી જાણ કરેલ હતી અને અમે મંદીર જોતા દાન પેટી તોડેલી ખુલ્લી પડી હતી. અને માતાજીના મંદીરમાં ઉપર ચાંદીના છત્તર લગાવેલ હોય જે આશરે 30 છત્તર મળી કુલ. રૂ.50,000 ની ચોરી થઈ છે. જ્યારે પાટી રામપર ગામના સરપંચ જીજ્ઞેશભાઇ પરસોતમભાઇ મેંદપરાએ પણ જણાવેલ કે તા.25/12/2022 ના રાત્રીના પાટી રામપર ગામમા મેંદપરા પરીવારનું ખોડીયાર માંતાજીનું મંદીર તથા રામજી મંદીર પણ તુટેલ છે અને તેમાંથી પણ છત્તર તથા દાનપેટીના રોકડ રૂપીયાની ચોરી થયેલ છે. તેમજ જીલરીયા ગામના સરપંચ રાધવજીભાઈ લાલજીભાઇ સાગાણીએ પણ જણાવેલ કે અમારા ગામના લીંબાસીયા પરીવારનું ખોડીયાર માતાજીનુ મંદીર તથા જાડેજા પરીવારનું આશાપુરા માતાજીનુ મંદીર તથા રામજી મંદીરમાંથી પણ છત્તર તથા દાનપેટીમાં રહેલ રોકડ રૂપીયાની ચોરી થયેલ છે તેમજ સાલ પીપળીયા ગામના સરપંચ સહદેવસિંહ દિલુભા જાડેજાએ પણ જાણવેલ કે ગજેરા પરીવારના સુરાપુરાદાદાનું મંદીર તથા કોળી પરીવારના મહાકાળી માતાનુ મંદીર તથા પાદરીયા પરીવારનું ખોડીયાર માતાજીના મંદીરમાં પણ ચોરી થયેલ હોય તથા તેમાંથી પણ છત્તર તથા દાનપેટીમાં રહેલ રોકડાની ચોરી થયેલ છે. ગ્રામ્ય પંથકમાં મંદિરોમાં લાંબા સમયથી ચોરીના બનાવો બનતા હોય પણ કોઈ ફરિયાદ ન નોંધાવતા હોય. ઉપરોક્ત આગેવાનોએ રાજકોટ ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને રજુઆત કરતા તેની એસ.પીને જાણ કરતા પોલીસ કાફલો દોડતો થયો હતો.