ભારતીય ટીમે ઘરઆંગણે રમાયેલી ODI શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. સિરીઝની પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડે જોરદાર ટક્કર આપી હતી. બાકીની બે મેચમાં ભારતીય ટીમે મુલાકાતી કિવી ટીમને એકતરફી પરાજય આપ્યો હતો.
આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે.રોહિતે ત્રણ વર્ષ બાદ ODI ફોર્મેટમાં સદી ફટકારી છે. જ્યારે શુભમન ગીલે મેચમાં બેવડી સદી ફટકારીને પોતાની છાપ છોડી દીધી હતી. આવો જાણીએ આ ODI સિરીઝમાંથી ટીમ ઈન્ડિયાને શું મળ્યું…
ત્રણ વર્ષ પછી રોહિત શર્માની ODIમાં સદી
શ્રેણીની ત્રીજી વનડે ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 90 રને જીત મેળવી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 85 બોલમાં 101 રન બનાવ્યા જેમાં 9 ફોર અને 6 સિક્સ સામેલ હતી. રોહિતની આ 30મી ODI સદી હતી, જે ત્રણ વર્ષ પછી જોવા મળી છે.
રોહિત શર્માના એ છેલ્લી સદી 19 જાન્યુઆરી 2020 ના રોજ નોંધાવી હતી, જ્યારે તેણે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 119 રનની ઇનિંગ રમી હતી. આ વર્ષે ODI વર્લ્ડ કપનું આયોજન પણ ભારત દ્વારા કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં રોહિતની બેટથી સદી અને તેનું ફોર્મમાં આવવું ક્યાંકને ક્યાંક સારો સંકેત છે.
શુભમન ગિલ બન્યો રન મશીન
શુભમન ગિલ આ ODI શ્રેણીમાં રન મશીનની જેમ દેખાતો હતો અને તેણે 3 મેચમાં સૌથી વધુ 360 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. ગિલે પ્રથમ વનડેમાં 208 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રીજી વનડેમાં તેણે 112 રનની ઇનિંગ રમી હતી. આ રીતે ગીલે ઓપનિંગમાં પોતાનું સ્થાન લગભગ મજબૂત કરી લીધું છે.
સિરાજ-કુલદીપ કોમ્બિનેશન
આ શ્રેણીમાં ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે માત્ર 2 મેચ રમી હતી, જેમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્પિનર કુલદીપ યાદવ અને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 6-6 વિકેટ લીધી છે. ભારતીય ટીમને આ સિરીઝમાં સિરાજ અને કુલદીપનું કોમ્બિનેશન પણ મળ્યું છે, જે વર્લ્ડ કપમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
પરફેક્ટ પ્લેઇંગ-11ની ઝલક
ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી, ભારતીય ટીમને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે સંપૂર્ણ પ્લેઈંગ-11ની ઝલક મળી. આ પ્લેઈંગ-11માં ઓપનિંગથી લઈને નંબર 11 ખેલાડી સુધી કોઈ મૂંઝવણ નથી. જોકે શ્રેયસ અય્યર, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા આવે છે, તો ચોક્કસપણે કંઈક બદલાઈ શકે છે.