•અમદાવાદમાં વરસાદ કે વાવાઝોડામાં ધરાશાયી ૧,૯૦૪ વૃક્ષના લાકડાનો કોઈ હિસાબ જ નથી
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત વિવિધ વિભાગોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના આક્ષેપો છાસવારે ઉઠતાં રહ્યા છે. કહેવાય છે કે મલાઈદાર વિભાગોમાં ગોઠવાયેલા અધિકારીઓ તેમજ જે તે કમિટીના સભ્યો શહેરમાં વિકાસના નામે અનેકવિધ કામગીરીના બહાના તળે કરવામાં આવતા વિકાસકામોના ટેન્ડરો કે અન્ય રીતે માલ મટેરિયલ ખરીદવાના નેજા હેઠળ ‘માલ’ કઈ રીતે ભેગો થાય તેવી માનસિકતા ધરાવતા હોવાની છાપ ઉપસી છે. જોકે કોર્પોરેશન સંકુલમાં એક હવા એવી પણ છે કે જે તે મલાઈદાર વિભાગના અધિકારી, કર્મચારીઓ અને તે વિભાગની કમિટીના શાસકો સામે જો દાનત સાફ રાખીને યોગ્ય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો હકીકતમાં પરિવર્તિત થઈ શકે તો નવાઈ નહીં. તાજેતરમાં પણ કોર્પોરેશનના બગીચા વિભાગના જવાબદારો ચોમાસાની સિઝનમાં વરસાદ કે વાવાઝોડાંથી ધરાશાયી થઈ ગયેલાં હજારો વૃક્ષના લાકડાઓ “ખાઈ” ગયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભેલા વૃક્ષો ચોમાસાની ઋતુમાં વરસાદ કે વાવાઝોડાંના લીધે જમીન દોસ્ત થઈ ગયા હોય ત્યારે તેના લાકડાને એકત્રિત કરવા સાથે તેનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હરાજી કરી વેચાણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગની દેખરેખમાં રાખવામાં આવતા લાકડા બારોબાર વેચી નાખી તેમાંથી ઉપજેલો લાખોનો ‘માલ’ જવાબદારોએ દબાવી લીધો હોય તેવા આક્ષેપ સાથેના વ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. કહેવાય તો એમ છે કે લાકડાંઓ સ્મશાનગૃહ અને ઇજનેર વિભાગમાં આપવામાં આવે છે. પરંતુ છેલ્લા 8 વર્ષમાં જાહેર હરાજી થકી લાકડાના વેચાણથી થયેલી આર્થિક ઉપજના કેટલાક રેકર્ડ બગીચા વિભાગ પાસે ઉપલબ્ધ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. શહેરમાંથી અંદાજે ૮,૫૮૪માંથી ૧,૯૦૪ જેટલા લાકડાંઓના વેચાણની આવકનો કોઈ હિસાબ જ જવાબદાર વિભાગ પાસે ન હોવાનું બહાર આવ્યું છે. જેથી એમ માની લેવું પડે કે જવાબદારોએ લાકડામાં પણ ‘ખેલ’ પાડી દીધો છે.
• આઠ વર્ષની સામે માત્ર બે વર્ષના જ હિસાબનો રેકર્ડ તંત્ર પાસે ઉપલબ્ધ
શહેરના પૂર્વ વિસ્તારના લાંભા, મણિનગર, વટવા, ઇસનપુર, બહેરામપુરા, દાણીલીમડા અને ખોખરા વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષમાં ધરાશાયી થયેલાં વૃક્ષોની સામે વેચાણની આવકના વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૯-૨૦ એમ બે વર્ષના આંકડા જ છે. બાકીના છ વર્ષના કોઈપણ પ્રકારના હિસાબ ઉપલબ્ધ જ નથી. જેથી લાખોની કિંમતના લાકડાઓ ક્યાં ગયા અને કોને વેચવામાં આવ્યાં એની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. જેને લઇ અને બગીચા વિભાગના અધિકારીઓ અનેક સવાલો સાથે શંકાના દાયરામાં આવ્યાં છે.
વર્ષ ૨૦૧૫થી ૨૦૨૨ સુધીમાં ૮,૫૨૪ જેટલાં વૃક્ષો જમીનદોસ્ત થયાં હતાં
અમદાવાદ શહેરમાં વરસાદ, વાવાઝોડાં કે અન્ય રીતે જમીનદોસ્ત થતાં વૃક્ષોને એકત્રિત કરી વ્યવસ્થિત સ્થળે સાચવી તેનો વહીવટ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્કસ એન્ડ ગાર્ડન એટલે કે બગીચા વિભાગની હોય છે ને તેના ડાયરેક્ટર તરીકે જીગ્નેશ પટેલ ફરજ બજાવે છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોના લાકડાંને સ્મશાન ગૃહમાં આપવામાં આવતાં હોવાનું કહેવાય છે. બગીચા વિભાગમાં વર્ષ ૨૦૦૬થી ૨૦૨૨માં જમીનદોસ્ત થયેલા વૃક્ષો અને તેના લાકડા થયેલી આવકના આંકડાઓની વિગતો સામે આવી છે. જેમાં ૨૦૦૬થી ૨૦૧૫ કેટલાં વૃક્ષો જમીનદોસ્ત થયાં અને તેના લાકડાથી કેટલી આવક થઈ તેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૨ સુધીમાં ૮,૫૨૪ જેટલાં વૃક્ષો જમીનદોસ્ત થયાં હતાં ને તેમાંથી અંદાજે ૨૯ લાખ રૂપિયાની આવક લેવાઈ છે.
•લાકડામાં પણ મોટો ‘વહીવટ’ પાડી દેવામાં આવ્યો
એક જાગૃત નાગરિકે શહેરના વિવિધ ઝોનમાં જમીનદોસ્ત થયેલાં વૃક્ષો અને તેનાથી થયેલી આવકના આંકડાઓની માહિતી માગી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કેટલાક ઝોનમાં જમીનદોસ્ત થયેલા વૃક્ષની સંખ્યા તો આપવામાં આવી છે. પરંતુ તેની સામે કેટલી આવક થઈ તેના કોઈપણ પ્રકારના રેકર્ડ જવાબદાર વિભાગ પાસે ઉપલબ્ધ ન હોવાની બાબત ઉજાગર થઇ છે. જેનાથી એવું માની શકાય કે લાકડામાં પણ મોટો ‘વહીવટ’ પાડી દેવામાં આવ્યો છે.
(તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)