રાજકોટ: મહિલાઓ સાથે થઈ રહેલા અપરાડોની સંખ્યા વધી રહી છે અને મહિલાઓની સુરક્ષા એક મોટો મુદ્દો બની ગયો છે. હવે રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક નરાધમે એક નર્સ સાથે ખરાબ હરકત કરવાનો પ્રયાસ કર્યો, જો કે નર્સે હિંમત દાખવીને સખત પ્રતિકાર કયો હતો. આ ઘટનામાં નર્સ ઘાયલ થઈ છે અને તેને સારવાર અપાઈ રહી છે.
રાજકોટમાં નરાધમે નર્સને ઘસડીને નિર્જન જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ પરપ્રાંતિય નર્સે હિંમત દાખવીને નરાધમનો પ્રતિકાર કર્યો. જેના લીધે આ નરાધમે નર્સને મોઢાના ભાગ સહિતના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. પીડિતાએ આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેને આ ઘટનામાં એક 30થી 35 વર્ષના અજાણ્યા શખ્સ પર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ નરાધમને શોધી રહી છે. જો કે બે દિવસ બાદ પણ આરોપીનો પતો લાગ્યો નથી. મળતી માહિતી અનુસાર, નર્સ પરપ્રાંતિય છે અને 28 દિવસ પહેલા જ માધાપર ચોકડી નજીક મહાવીર રેસિડન્સીમાં રહેવા આવી છે.
શું છે સમગ્ર મામલો
માહિતી અનુસાર, રાજસ્થાનની 23 વર્ષની યુવતી શુક્રવારે રાત્રે હોસ્પિટલમાં નર્સ તરીકેની પોતાની ફરજ પૂરી કરીને રાતે 8 વાગ્યે રિક્ષામાં બેસીને હોસ્પિટલથી માધાપર ચોકડીએ આવી અને પોતાના ઘર તરફ જઈ રહી હતી, ત્યારે તેની પાછળ કોઈ આવી રહ્યું હોવાનો તેને આભાસ થયો, ત્યારે જ એક કાળા રંગનું જેકેટ પહેરીને એક 30-35 વર્ષનો અજાણ્યો શખ્સ તેની નજીક આવ્યો અને તેને પાછળથી પકડીને તેને વાળ ખેંચ્યા અને બાજુમાં આવેલ નાળા તરફ ખેંચી જવાનો પ્રયાસ કરવા લાગ્યો.
નર્સે હિંમત દાખવી, પ્રતિકાર કર્યો, જેનાથી આ શખ્સ વધુ ઉશ્કેરાયો અને તેણે નર્સને ધક્કો મારીને નીચે પાડીને તેને ઢસડવા લાગ્યો. નર્સે પ્રતિકાર ચાલુ રાખ્યો અને નરાધમે તેને ધક્કો મારીને પાડીને ઢસડવાનું ચાલુ રાખ્યું. નરાધમ તેને નિર્જન જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નર્સે તાબે થયા વિના પ્રતિકાર કરીને નરાધમના સકંજામાંથી ગમેતેમ કરીને છૂટી ગઈ, દોડીને પોતાના એપાર્ટમેન્ટમાં પહોંચી. તેણે ત્યાં બેઠેલા એ એપાર્ટમેન્ટના રહીશોને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી, પણ જ્યાં સુધીમાં લોકો ત્યાં પહોંચે, એ પહેલા નરાધામ નાસી ગયો હતો.