ઇએમટી આશા ગોસ્વામી અને પાયલોટ વિષ્ણુ રાવળે ઈમાનદારી ઝળકાવી
ઝુંડાલ ગામ પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની રોકડ અને કીમતી ચીજવસ્તુ 108ના કર્મીએ પરિવારજનોને સોંપી
•અકસ્માત ગ્રસ્ત દર્દીને 108 માં સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
અમદાવાદ નજીકના ઝુંડાલ ગામ પાસે રીક્ષા પલટી ખાઈ જતા થયેલા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઈમરજન્સી 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલને સારવાર કારગત નહીં નિવડતા સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જે બાદ 108ના ઇએમટી આશાબેન ગોસ્વામી અને પાયલોટ વિષ્ણુભાઈ રાવળે તપાસ કરતા મૃતકના કપડાના ગજવામાંથી ૯,૫૦૦ની રોકડ તેમજ મોબાઈલ ફોન સહિતની કિંમતી ચીજ વસ્તુ મળી આવી હતી. જે તેઓએ કબજે લઈ અકસ્માત અંગે મૃતકના પરિવારજનોનો સંપર્ક સાંધી રોકડ, મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુ તેમને પરત કરી ઈમાનદારીની સાથોસાથ સંસ્કારો ઝળકાવ્યા હતા.
મળેલી વિગતો મુજબ ગત તા. ૨૧ જાન્યુઆરીના ઝુંડાલ ગામ નજીક એક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં રાજુ મારવાડી નામનો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત અંગેનો સંદેશો ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને મળતાં ઇએમટી આશાબેન ગોસ્વામી અને પાયલોટ વિષ્ણુભાઈ રાવળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજુ મારવાડીને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો તેની સારવાર હાથ ધરી હતી. પરંતુ ગંભીર રીતે ઘાયલ રાજુને તબીબી સારવાર કારગત નહીં નિવડતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે હોસ્પિટલમાં ઉપસ્થિત 108ના ઇએમટી અને પાયલોટે તપાસ કરતા મૃતક પાસેથી ૯,૫૦૦ની રોકડ અને મોબાઈલ ફોન સહિતનો કીમતી સામાન મળી આવ્યો હતો. જે તેઓ તેમના હોસ્પિટલ દોડી આવેલા સગાને સુપ્રત કરી ફરજની સાથો સાથ ઈમાનદારી દાખવી હતી.