રાજકોટમાં તા.19થી 22 જાન્યુઆરી દરમિયાન બી.એન.આઈ. રાજકોટ તથા મોરબી, જામનગર, ગાંધીધામ રીજીયન વચ્ચે તા.19 મીએ તેમજ તા.20 થી 22 રાજકોટ રીજીયનની 6 ટીમો વચ્ચે રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું સુંદર આયોજન ગારડી કોલેજ ખાતે કરવામાં આવ્યુ છે. ગઈકાલે રાજકોટ બિઝનેસ લીગનું ઉદ્ઘાટન ધારાસભ્ય દર્શીતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લીગનું આયોજન છેલ્લા બે વર્ષથી ગારડી કોલેજ ખાતે કરવામાં આવે છે જેમાં રાજકોટના ઉદ્યોગપતિઓ ભાગ લે છે. આ વખતે છ ટીમ અને કુલ 90 ખેલાડીઓએ આ લીગમાં ભાગ લીધો છે.પ્રોફેશનલ મેચની જેમ જ ડીજે,સાઉન્ડ, લાઇટ, એલઇડી, યુ-ટયુબ લાઇવ, ઓનસાઇટ મેડિકલની સુવિધા તેમજ દરેક નાનામાં નાની મેચને લગતી સુવિધાઓ ટીમને પૂરી પાડવામાં આવે છે. 6 ટીમમાં દરેક ટીમને ટીમ વાઇઝ ફ્રી કોમ્પ્લીમેન્ટરી સ્પોર્ટસ યુનિફોર્મ એનાયત કરવામાં આવ્યા હતા. દરેક મેચ પછી મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેટ્સમેન ઓફ ધ સિરીઝ, બોલર ઓફ ધ સિરીઝ તેમજ ચેમ્પિયન ટીમને વિવિધ ઇનામોથી નવાઝવામાં આવશે. ક્રિકેટ સ્પોર્ટસની સાથે સાથે બિઝનેસ પણ મેમ્બર્સને મળી રહે તેમજ મેમ્બર્સ એકબીજાને મળીને નેટવર્કિંગ કરી શકે તે માટેની આ રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન કરેલ છે. રાજકોટના બધા ઉધોગપતિઓ એક સાથે મળીને આઈપીએલની જેમ એક ક્રિકેટ લીગ રમે તેવી ઈચ્છા વ્યકત કરી હતી. સાથો સાથ ઉધોગપતિઓએ તન, મન સ્વચ્છ રહે અને એક ખેલનો માહોલ મળી રહે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવતા ઉધોગપતિઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.