Apna Mijaj News
આમને- સામને

અમદાવાદમાં પેપર કપની મોકાણ….!

પેપર કપના ઉત્પાદનથી માંડી છૂટક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાં 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર કપ પ્રતિબંધના મુદ્દે સત્તાધીશોથી વેપારીઓ ખફા

કોરોના વખતે પેપર કપ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ને હવે બંધનો નિર્ણય અયોગ્ય

અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ 

         અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદારોએ શહેરમાં વેચાતાં પેપર કપ ઉપર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા ઉત્પાદકોથી માંડીને છૂટક વેચાણ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોર્પોરેશનના સત્તાધીશોએ આ અંગે મનસ્વી નિર્ણય લીધો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઉપરાંત આજે પેપર કપ ઉત્પાદન કરતા વેપારીઓએ ચાની કીટલી સહિતના વેપારી એકમોને પેપર કપ વાપરવાની છૂટછાટ આપવામાં આવે પરંતુ તેની સામે પેપર કપનો ઉપયોગ કરતા લોકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવે તેવી માગણી કરી છે. કોર્પોરેશનના નિર્ણયથી પેપર કપ ઉત્પાદનથી માંડીને જથ્થાબંધ, છૂટક વેપારીઓ સહિતના લોકોની રોજગારી ઉપર અસર થઈ રહી હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ કોર્પોરેશન સત્તાધીશોના આ મનસ્વી નિર્ણય સામે વેપારીઓ ભારે ખફા જોવા મળી રહ્યાં હતા.

    પેપર કપ ઉત્પાદનથી લઈ વેચાણ સુધી સંકળાયેલા 15 જેટલા વેપારીઓ આજે એકત્રિત થઈને કોર્પોરેશન કચેરી આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને મળી રજૂઆત કરી હતી. પરંતુ તેઓએ આ વિભાગ મારામાં આવતો ન હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા. જોકે સંગઠિત થઈ આવેલા વેપારીઓએ સંબંધિત તંત્રને એક લેખિત અરજી આપીને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે કોરોના સમય દરમિયાન ચા સહિતના પીણા માટે પેપર કપના ઉપયોગ માટે ભાર મૂકવામાં આવ્યો હતો. જેને લઈને પેપર કપની સાયકલ ચાલી હતી. જેમાં અનેક લોકોએ પેપર કપ બનાવવાના મશીન વસાવી ઉદ્યોગ શરૂ કર્યો હતો. જેને લઈને લોકોની રોજગારી પણ વધી હોવાનું તેઓએ કહીને ઉમેર્યું હતું કે પેપર કપ ઉત્પાદનથી માંડીને જથ્થાબંધ, છૂટક વેપારીઓ તેમજ ચાની કેટલી વાળા સહિતના લોકોને રોજગારી મળી રહી છે. જો પેપર કપ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે તો આ તમામ લોકોની રોજગારી ઉપર સીધી અસર થશે. જેથી પેપર કપનો ઉપયોગ કરવા દેવા માટે રજૂઆત કરી ઉમેર્યું હતું કે આ માટે ચા ની કીટલીવાળાથી માંડીને સંબંધિત લોકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા કોર્પોરેશનના સત્તાધિશોએ પ્રયાસ કરવા જોઈએ.

      અત્રે નોંધનીય છે કે બે ચાર દિવસ પૂર્વે સોલીડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ કહ્યું હતું કે શહેરમાં પેપર કપનો વપરાશ એટલો વધી ગયો છે કે દૈનિક 25 લાખથી વધુ પેપર કપ રસ્તે રઝળતાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ડ્રેનેજ લાઈન અથવા તો પાણીના અન્ય વહેણમાં પણ પેપર કપ ભરાઈ જવાથી સફાઈ કામગીરીમાં મુશ્કેલી સહન કરવી પડે છે. જેને લઈને આગામી 20 જાન્યુઆરી સુધી શહેરમાંથી પેપર કપ સંપૂર્ણ રીતે હટાવી દેવા માટે લોકોને સમજાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો લોકો પેપર કપનો વપરાશ બંધ નહીં કરે તો તેમના વ્યવસાયિક એકમને સીલ મારવાની આખરી કામગીરી પણ કરવામાં આવશે તેવી વાતને લઈને હાલ ઘડી તો પેપર કપનો વપરાશ બંધ થઈ ગયેલો મહદ અંશે જોવા મળી રહે છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પેપર કપ ગાયબ થઈ ગયા છે અને લોકો ચા સહિતના પીણા ચિનાઈ માટી કે કાચના વાસણોમાં પીતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેશનના આ નિર્ણય સામે પેપર ઉત્પાદન કરતા વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે

Related posts

બિહારી બબલીએ ‘કા બા’ ગાઈને ભાજપી ભડવીરોના ‘ગાભા’ કાઢી નાખ્યાં

ApnaMijaj

મહેસાણા ભાજપ જસ્ન મનાવે તે પૂર્વે કોંગ્રેસનું ચક દે…

ApnaMijaj

ગાંધીધામ MLA માલતી મહેશ્વરી અસલામત!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!