મહેસાણા જિલ્લામાં આવેલા નગલપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતો તલાટી દાખલો કાઢી આપવા માટે રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીની ટીમે છટકું ગોઠવીને તલાટીને લાંચ લેતા રંગેહાથ પકડ્યો હતો. માહિતી મુજબ, લાંચિયા તલાટીએ અરજદાર પાસે દાખલો કાઢી આપવા માટે કુલ રૂ.27 હજાર લાંચની માગ કરી હતી. તલાટી સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દાખલો કાઢી આપવા રૂ.27 હજાર માગ્યા હતા
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં આવેલા નાગલપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી સમિતભાઈ પટેલ પાસે એક અરજદારે મકાનની આકારણી પત્રક બનાવવા માટે દાખલાની જરૂરિયાત પડતા દાખલો કાઢી આપવા જણાવ્યું હતું. આ માટે સુમિત પટેલે અરજદાર પાસે રૂ.27 હજાર માગ્યા હતા, જેમાં રૂ.15 હજાર કામ થયા પહેલા અને બાકીના રૂ.12 હજાર કામ થયા બાદ આપવા કહ્યું હતું.
એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ પકડ્યો
જોકે અરજદાર લાંચ આપવા માગતા નહોવાથી તેમણે એસીબીને આ મામલની જાણ કરી હતી. આથી એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. તલાટીએ અરજદારને મોઢેરા ચોકડી પાસે આવેલા ઉમિયા પાન પાર્લસ નજીક રૂ.15 હજાર લઈને આવવાનું કહ્યું હતું. આથી અરજદાર ત્યાં પૈસા લઈને પહોંચ્યો હતો. દરમિયાન એસીબીએ લાંચ લેતા તલાટીને રંગેહાથ પકડ્યો હતો. આ મામલે હવે તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.