સુરતના સરથાણા વિસ્તારમાં સ્કૂલ બસના ડ્રાઇવરે જ બસના ક્લિનરની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ક્લિનરની હત્યાના ગુનામાં સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હત્યારા બસ ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ક્લિનર વારંવાર મોડે આવતા ઝઘડો થયો
મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયના પાર્કિંગમાં બસ ડ્રાઇવર સુહિલ સુબેદારસિંગ અને ક્લિનર કલ્પેશ ઉપાધ્યાય સાથે રહેતા હતા. જોકે ક્લિનર કલ્પેશ રાત્રે વારંવાર મોડે આવતો હોવાથી બંને વચ્ચે ઝઘડા થયા હતા. દરમિયાન થોડા દિવસ બાદ કલ્પેશ રાત્રે મોડે આવતા ડ્રાઇવર સુહિલે તેને ટોક્યો હતો. આથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ડ્રાઇવરે ક્લિનરને ઢોર માર માર્યો
બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા ઝઘડો થયો હતો અને બસ ડ્રાઇવર સુહિલે કલ્પેશને ઢોર માર માર્યો હતો, જેના કારણે કલ્પેશ લોહીલુહાણ થઈ ગયો હતો. આથી કલ્પેશનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ કલ્પેશનું મોત નીપજ્યું હતું. જોકે આ બનાવ બાદ ડ્રાઇવર સુહિલ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસે સુહિલ સુબેદારસિંગ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે હવે વધુ તપાસ હાથ ધરી છે.