



ઇસુદાન ગઢવીની આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ તરીક નિમણૂક કરવામાં આવી છે. ઇસુદાન ગઢવીએ પૂજા-અર્ચના કરીને આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. આ સાથે તેમણે પાર્ટીમાં નિષ્ક્રિય અને પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત પણ આપ્યા છે.
માહિતી મુજબ, ઇસુદાન ગઢવીએ આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે, આજે અમે કાર્યકારી પ્રમુખો સાથે બેઠક કરીશું. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, પક્ષના વિરુદ્ધમાં કામ કરનાર સામે પગલાં લેવામાં આવશે. આ સાથે ઇસુદાન ગઢવીએ જે લોકો પક્ષની કામગીરી માટે નિષ્ક્રિય રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ફોકસ કરાશે: ઇસુદાન ગઢવી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો રહેલા ઇસુદાન ગઢવીએ આજે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, હવે જિલ્લા અને તાલુકાના સંગઠનોને મજબૂત કરવા કામ કરાશે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પણ વધુ ફોકસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને હવે પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે હવે ઇસુદાન ગઢવીની હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે, જે પહેલા પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી હતા. આથી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે હવે ગોપાલ ઇટાલિયાની જગ્યાએ ઇસુદાન ગઢવીની નિમણૂક કરાઈ છે.