• ભીનો-સૂકો કચરો અલગ તારવવા 2 કચરાપેટીઓ ફાળવવી જરૂરી છે
• સંખ્યાબંધ ઘરને કચરો અલગ તારવવા હજુ સુધી બે કચરાપેટીઓ મળી નથી
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
અમદાવાદ શહેરમાં 16.50 લાખ ઘરોમાં કચરાના બે કચરા પેટીઓ પહોંચાડવા માટે થયેલી કામગીરીમાં હજુ 70 ટકા ઘરોમાં કચરો નાખવાના ડબલાં પહોંચ્યા છે. જ્યારે બાકીના ઘરોમાં કચરા પેટીઓ પહોંચે તે માટે મ્યુનિ.ને બીજી વધારાની 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ ગ્રાન્ટમાંથી સોસાયટીઓને કચરો ભરવા માટે હાથ લારીઓ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે કરોડોના ખર્ચ પછી પણ શહેરમાં સંખ્યાબંધ ઘરને કચરો અલગ તારવવા હજુ સુધી બે કચરાપેટીઓ મળી નથી. જોકે શાસકોની કાર્યવાહીને લઈને કોર્પોરેશન સંકુલમાં એક હવા એવી પણ ઊડી છે કે કચરા સંબંધીત કામગીરી કરવા માટે કોર્પોરેશનના કરોડો રૂપિયા કચરાપેટીમાં પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડે 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ફાળવેલી 91 કરોડની ગ્રાન્ટમાંથી મ્યુનિ.એ અગાઉ કચરાપેટીઓ માટે રૂ. 25 કરોડની ફાળવણી કરી હતી. જેમાં વધારાના 20.17 કરોડનો ઉમેરો કરી કુલ 45.17 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી છે. આ રકમમાંથી નવી કચરાપેટીઓ તથા સોસાયટીઓને ફાળવવાની કચરા માટેની હાથ લારીઓ પણ અપાશે. 16.50 લાખ પૈકી મ્યુનિ. દ્વારા અત્યાર સુધીમાં 14 લાખ ઘરોમાં કચરાપેટીઓ પહોંચડાઈ છે. જ્યારે બાકીના ઘરોમાં બાકી છે.
• કચરાની લારી માટે 10 કરોડ ગ્રાન્ટ અપાશે
આગામી દિવસોમાં મકાનોમાં પણ સૂકો-ભીનો કચરો અલગ આવે તે માટે બે કચરાપેટીઓ ફાળવવામાં આવશે. જેથી સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપી શકાય. નોંધનીયછેકે, 10 કરોડ જેટલી રકમ તો મ્યુનિ. દ્વારા સોસાયટીઓમાં કચરા માટેની હાથ લારીઓ માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં નોંધનીય બાબત એ છે કે અગાઉ અપાયેલી બે કચરાપેટીઓ હજુ શહેરના સંખ્યાબંધ ઘરોમાં પહોંચી નથી તે પણ વાસ્તવિકતા છે.
• તૂટેલી કચરાપેટીઓ આપતાં વિરોધ થયો’તો
કચરો અલગ તારવવા લોકોને આપવામાં આવતી કચરાપેટીઓ અંગે પણ સંખ્યાબંધ ફરિયાદો ઊઠે છે. થોડા સમય અગાઉ ખાડિયામાં લોકોએ એવી ફરિયાદ કરી હતી કે, અમને આપવામાં આવેલા કચરાપેટીના ડબલાં સાવ તૂટેલા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં લોકોની એવી પણ ફરિયાદ હતી કે, અમે તો ઘરમાંથી કચરો જુદો પાડીને આપીએ છીએ પરંતુ ડોર ટુ ડમ્પની ગાડીવાળા કચરો ભેગો કરી નાખે છે. કેટલાક વિસ્તારમાં લોકોનું એવું કહેવું હતું કે, ફ્લેટ કે સોસાયટીની બહાર મૂકવામાં આવતી કચરાપેટીઓ છાશવારે તૂટી જતી હોય છે.
• બુદ્ધિ તો આમની, કે જે કચરા અને કચરાપેટીમાંથી પણ લાભ લઈ જાણે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો શહેરમાંથી ઉઠાવતા કચરા અને શહેરીજનોને આપવામાં આવતી કચરાપેટીઓમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે. પરંતુ શહેરને જોઈએ તેવી રીતે સ્વચ્છ રાખવામાં તેઓ સફળ નથી થયાં તે પણ એક વાસ્તવિકતા છે. કરોડોના ખર્ચ પછી પણ શહેરના મોટાભાગના વિસ્તારો ગંદકી અને કચરાના ઢગમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. જે તમામ બાબતોને લઈને એક ચર્ચા એવી પણ છે કે અહીંના શાસકોની બુદ્ધિ કચરા અને કચરાપેટીમાંથી પણ ફાયદો કરી લેવા માટે સતત કાર્યશીલ રહેતી હોય છે. જાણકારો તો ત્યાં સુધી આક્ષેપ સાથે કહે છે કે કચરા સંબંધીત કામગીરી માટે કાર્યકર્તા શાસકોની દાનત સાફ રાખીને તપાસ કરાય તો કંઈક કેટલાય પરપોટા બહાર આવે તેમ છે.