•આવક મેળવવામાં શાસકો નિષ્ફળ નિવડતા 500 કરોડ ભેગા કરવા કવાયત
અપના મિજાજ ન્યુઝ : સંજય જાની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીનું તળિયું દેખાવા લાગતા શાસકોએ શહેરના જુદા જુદા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના રહેણાંક અને વ્યવસાયિક ૭ પ્લોટ વેચવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનના શાસકો દ્વારા થલતેજમાં બે, બોડકદેવમાં એક, વસ્ત્રાલમાં બે અને નિકોલમાં એક સહિત કુલ સાત પ્લોટ આગામી તા. ૨૦થી ૨૩ ફેબ્રુઆરીના હરાજીથી વેચવાની કવાયત હાથ ધરી છે. જે ૭ પ્લોટ મારફતે 500 કરોડ રૂપિયા ઉભા કરી કોર્પોરેશનની ખાલી તિજોરી ભરવા પ્રયાસ કરવામાં આવશે. નોંધનીય છે કે તંત્ર દ્વારા બે વર્ષ પૂર્વે જે 16 પ્લોટ વેચવા કાઢ્યા હતા તે પૈકીના વાણીજયક અને રહેણાંક હેતુના પ્લોટ ફરી વેચવા કાઢ્યા છે અને આમાંથી આર્થિક સંકળામણના ‘ઠૂમકે’ ચડેલી કોર્પોરેશનને બચાવવાની ધારણા હોવાનું કહેવાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા શહેરના થલતેજ, બોડકદેવ, વસ્ત્રાલ અને નિકોલના પ્લોટ વેચવા કાઢ્યા છે જેમાં સૌથી વધારે થલતેજ તળાવ પાસે આવેલા પ્લોટની કિંમત રૂ. ૧૭૪.૬૩ કરોડ મૂકવામાં આવી છે. તંત્ર દ્વારા પ્લોટ વેચવા માટે ઈ હરાજી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. થલતેજ તળાવ પાસે આવેલા રહેણાંકના બે અને એસ જી હાઇવે ઇસ્કોન મોલની પાછળ આવેલો વ્યવસાયિક એક પ્લોટ મળી કુલ ત્રણ પ્લોટની આવક અંદાજે 500 કરોડથી પણ વધુ થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જાહેર હરાજીમાં પ્લોટ ખરીદનાર જે કોઈ વધુ કિંમત આપશે તેને વેચાણ કરીને કોર્પોરેશનની આવક ઊભી કરવાનો પ્રયાસ શાસકો દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ જોવાનું એ રહે છે કે જે વિચાર શાસકો પોતાના મગજમાં લઈને બેઠા છે તે પાર પડે છે કે કેમ?
• શાસકોએ શા માટે કોર્પોરેશનની મિલકત વેચવા કાઢી ?
મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લા કેટલાક સમયથી આર્થિક હાલત ઠુમકા મારી રહી હોવાનું કહેવાય છે. એમ પણ કહેવાય છે કે કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સમાંથી થાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે આવક ઊભી કરવામાં કોર્પોરેશનના મુખ્ય શાસકો તદ્દન નિષ્ફળ ગયાં હોવાની છાપ ઉપસી છે. પૂરતી આવક નહીં થતાં કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. હવે સંસ્થાનો ‘વહીવટ’ પાર પાડવા માટે ૭પ્લોટ વેચીને આવક ઊભી કરવા શાસકોએ નિર્ણય કર્યો છે.
•કોર્પોરેશન આર્થિક ઠૂમકે ચડ્યું પણ સત્તાધીશોનો ‘ઠાઠ’ કાયમ છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. જેને લઈને સંસ્થાનો વહીવટ ચલાવવો અઘરો પડી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો કોર્પોરેશન આર્થિક રીતે ઠુમકે ચડ્યું છે. પરંતુ સત્તાધીશોના ‘ઠાઠ’ માં કોઈ કમી આવી હોય તેવું જોવા મળતું નથી. કહેવાય છે કે જે સ્ત્રોતમાંથી કોર્પોરેશનને આવક રળવી જોઈએ. તે દિશામાં ગંભીરતાપૂર્વક કામગીરી કરાતી નથી અને અનેકવિધ પ્રકારે ફાલતુ ખર્ચ કરવામાં આવતા હોઈ તેની અસર સંસ્થાની તિજોરી ઉપર વર્તમાન સમયમાં દેખાઈ રહી છે. જો જાણકારોની વાત સત્ય હોય તો કોર્પોરેશનના સત્તાધીશોએ પોતાના ‘ઠાઠ’ ઓછા કરી સંસ્થાનું આર્થિક ‘કદ’ વધારવાની દિશામાં કાર્ય કરવાના પ્રયાસ કરવા જોઈએ.