ઉત્તર પ્રદેશના અલીગઢમાં જીજાએ સાળાને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે પત્નીનું મંગળસૂત્ર ગાયબ થવાના કારણે ગુસ્સે ભરાયેલા જીજાએ સાળાને ગોળી મારી દીધી. સ્થાનિક લોકોએ ઘાયલને તાત્કાલિક જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો. જ્યાં તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, સાળો બાઇક ચલાવી રહ્યો હતો અને જીજાએ પાછળથી ગોળીઓ ચલાવી. જેના કારણે તે લોહીથી લથબથ રોડ પર પડ્યો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી. ઈજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
યુવકને માથામાં બે ગોળી વાગી છે. પોલીસે ગોળી મારનાર આરોપી જીજા દુષ્યંતની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી ઘટનામાં વપરાયેલી ગેરકાયદેસર પિસ્તોલ પણ મળી આવી. આ મામલો હરદુઆગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇમલાની ગામનો છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે જીજા-સાળો બુધવારે બાઇક પર સવાર થઈને જનપદ અલીગઢ જિલ્લાના હરદુઆગંજ પોલીસ સ્ટેશનના ઇમલાની ગામમાં સંબંધીને ઘરે આવ્યા હતા. ત્યારબાદ બંને બાઇક પર સવાર થઇ નગર જલાલી તરફ નીકળ્યા. સાળો રાજકુમાર બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે જીજા દુષ્યંત બાઇક પર પાછળ બેઠો હતો. આથી ચાલુ બાઈક પર જીજાએ તેના સાળા પર તેની પત્નીનું મંગળસૂત્ર પરથી ગુમ થવાનો આરોપ લગાવ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ચાલતી બાઇક પર જીજાએ તેના સાળાના માથામાં બે ગોળી મારી દીધી હતી.
આ બાબતે ડીએસપી વિશાલ ચૌધરીએ જણાવ્યું કે હરદુઆગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બંટોલા ગામમાં એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હોવાની માહિતી મળી હતી. જે બાદ તમામ અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જીજાએ આપસી તકરારમાં સાળાને ગોળી મારી દીધી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પાસેથી ઘટનામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે. ઘાયલોની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.