રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જમીન માપણી અંગે રાજ્યના મહેસૂલ વિભાગે એક મોટો નિર્ણય કર્યો છે. વિભાગે અગાઉ કરેલી જમીન માપણીને રદ કરી હોવાની માહિતી મળી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી નવેસરથી જમીનની માપણી શરૂ કરવામાં આવશે.
કેબિનેટની મીટિંગમાં લેવાનો નિર્યણ
બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉ કરાયેલી જમીન માપણીને રદ કરવાનો અને નવેસરથી માપણી કરવાનો મહત્ત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક અંગે માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રિ-સરવે પ્રમોલગેશનના વાંધા નિકાલ માટે સરકારને ઘણી અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ આ મુદ્દે અંગે રાજ્ય સરકાર દ્વારા બુધવારે મહત્તનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિ-સરવે માટે રૂ.700 કરોડનો ખર્ચ થયો હતો
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આવનારા સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ખૂબ જ ઝડપથી જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ઉલ્લખનીય છે કે, અગાઉ સરકાર દ્વારા કરાયેલી જમીન માપણી સામે કેટલાક ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા હતા અને જમીન રિ-સરવેમાં મોટા પાયે ખામી હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે અગાઉની જમીન માપણીને રદ કરી નવેસરથી રિ-સરવે કરવાનો નિર્ણય કર્યો. આપણે જણાવી દઈએ કે, જમીન રિ-સરવેમાં અંદાજે રૂ.700 કરોડનો ખર્ચ થયો હતો. ત્યારે હવે ફરી જમીન માપણીની કામગીરીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.