• મહેસાણા દૂધ સાગર ડેરીમાં પણ વિપુલ ચૌધરીને હરાવવા માટે સોઢીએ એડી ચોટીનું જાેર લગાવ્યું હતું
ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલના એમડી પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરી દેવામાં આવ્યા બાદ નવા એમડી તરીકે જયેન મહેતાની વરણી કરવામાં આવી છે. સોઢીએ પોતાના કાર્યકાળમાં અમૂલની મલાઈ ખાઈને મામકાઓને આર્થિક લાભ કરાવવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું હતું અને મામલો છેક પીએમઓ સુધી પહોંચ્યો હતો અને આખરે સોઢીને પાણીચું આપી દેવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે અંદરની વાત એવી પણ છે કે, વિપુલ ચૌધરીની ઘર વાપસી સોઢીની હકાલપટ્ટી માટે કારણભૂત માનવામાં આવી રહી છે. વિપુલ ચૌધરી અને ભાજપ વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં ભાજપ વિપુલ ચૌધરીને મોટું સ્થાન આપી શકે છે. વિપુલ ચૌધરીને અમૂલના ચેરમેન પદેથી હટાવવામાં પણ સોઢીએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે અને હવે સોઢીને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.
જીસીએમએમએફમાં ૬૧ હજાર કરોડના ટર્ન ઓવરનું ફૂલગુલાબી આભાસી ચિત્ર બતાવીને સોઢીએ ભ્રષ્ટાચાર આચરવામા કોઈ કસર બાકી ન રાખી હોવાની ચર્ચાઓએ પણ જાેર પકડ્યું છે. ડેરીમાં મામકાઓને ગોઠવીને કોન્ટ્રાક્ટરમાં પણ મોટી ગરબડી કરવામાં આવતાં મામલો છેક પીએમઓ સુધી પહોંચ્યો હોવાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને સોઢીએ અમૂલની મલાઈ તારવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. માત્ર એટલું જ નહી પણ ૧૬ દૂધ સંઘો વચ્ચે ભેદભાવ કરવા ઉપરાંત સહકારના બદલે કોર્પોરેટના નામે દૂધ સંઘોના અસ્તિત્વને ભૂંસવાની કોશિશ પણ કરવામાં આવી હતી. સોઢીએ પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને પોતાની મનમાની ચલાવી હતી અને આખરે પીએમઓ કાર્યાલય દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
માત્ર એટલું જ નહી પણ સૌ જાણે છે કે, વિપુલ ચૌધરી અને સોઢી વચ્ચે છત્રીસનો આંકડો છે અને વિપુલ ચૌધરીને અમૂલના ચેરમેન પદેથી હટાવવામાં સોઢીએ વિલનની ભૂમિકા ભજવી હતી. માત્ર એટલું જ નહી પણ મહેસાણા દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરી ચેરમેન તરીકે વિજેતા ન બને તે માટે સોઢીએ એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. હવે વિપુલ ચૌધરી અને ભાજપ વચ્ચે સમાધાન થઈ ગયું છે ત્યારે ભાજપ વિપુલ ચૌધરીને આવનારા દિવસોમાં મોટો હોદ્દો આપી શકે છે. વિપુલ ચૌધરીની ઘર વાપસી થતાં સોઢીના દિવસો પૂરા થઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુંછે.