• શિસ્ત સમિતિને ૬૦૦ ફરિયાદો મળ્યા બાદ પાંચ સાંસદોને તતડાવાયા
• આગામી લોકસભા ચૂંટણીમાં વર્તમાન અમુક સાંસદોને ઘેરભેગા કરી દેવાશે
ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ
વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીમાં રહીને પાર્ટી વિરુદ્વમાં કામ કરનારા સાંસદો, ધારાસભ્યો, અન્ય નેતાઓ તેમજ કાર્યકરો હાઈકમાન્ડની રડારમાં આવી ચૂક્યા છે. શિસ્ત સમિતિને ૬૦૦ ફરિયાદો મળી છે અને હવે આજથી આ ફરિયાદો સાંભળવાનું શરૂ કર્યું છે. બીજી તરફ તાજેતરમાં ગુજરાતના એ પાંચ સાંસદોની દિલ્હીમાં આબરૂ ધૂળધાણી થઈ હતી અને હાઈકમાન્ડે બોલાવ્યા છતાં પણ કલાકો સુધી બેસાડી રાખીને મુલાકાત આપી નહોતી. આ પાંચ સાંસદોને ત્રણ સપ્તાહમાં બે વાર અપડાઉન કરવાની નોબત આવી હતી અને તાજેતરમાં જ અમિત શાહ અને પાટિલે આ પાંચ સાંસદોને તતડાવી નાખ્યા હતા. આ સાંસદોની હાલત વાઢો તો લોહી ના નીકળે જેવી થઈ હતી. આગામી લોકસભાના ચૂંટણીમાં આ પાંચેય સાંસદોની વિદાય નક્કી માનવામાં આવી રહી છે. હાલ કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રી પદે રહેલા એક મંત્રીનું પત્તું પણ ઉત્તરાયણ બાદ કપાઈ શકે છે.
થોડા દિવસો પૂર્વે જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા પાર્ટી વિરુદ્વ કામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો મળી હતી. ભાજપે શિસ્ત સમિતિ પણ બનાવી છે અને આજથી ફરિયાદો સાંભળવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલાં તાજેતરમાં જ દિલ્હીમાં હાઈકમાન્ડે ગુજરાતના પાંચ સાંસદોને બોલાવ્યા પછી કલાકો સુધી મુલાકાત આપી નહોતી. સાંસદોને સતત ત્રણ ત્રણ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા અને આખરે આજે હાઈકમાન્ડ મુલાકાત આપશે નહી તેમ કહીને રવાના કર્યા હતા. આ સાંસદો ત્રણ સપ્તાહમાં બે વાર દિલ્હીના આંટા મારી આવ્યા હતાં પણ હાઈકમાન્ડે મુલાકાત જ આપી નહોતી.
તાજેતરમાં ફરીથી આ પાંચ સાંસદોને હાઈકમાન્ડું તેડું આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરમાં ખખડાવી નાખ્યા હતાં અને આવું ચલાવી નહી લેવાય તેમ કહીને શિસ્તમાં રહેવા પણ જણાવ્યું હતું. આ પાંચ સાંસદોની આ સમયે કફોડી હાલત થઈ હતી અને કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં રહ્યા નહોતા. આ પાંચ સાંસદોમાં પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાનો સમાવેશ થાય છે.