• હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે
• દૂધમાં ઘટાડો છતાં પાવડર પ્લાન્ટનો નિર્ણય લેવાયો હતો
• અમૂલના પૂર્વ એમડી સોઢી અને વિપુલ ચૌધરી વચ્ચે છત્રીસનો આંકડો હતો
ગાંધીનગર:
અમૂલના એમડી પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ નવા એમડી તરીકે જયેન મહેતાની નિમણૂંક કરવામાં આવી છે. સોઢી ઉપર હવે માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે હવે અમૂલના પૂર્વ ચેરમેન, પૂર્વ ગૃહ મંત્રી તેમજ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ પણ આક્રમક પ્રહાર કર્યા હતાં. આજે મહેસાણા કોર્ટમાં મુદ્દતમાં હાજરી આપવા માટે આવેલા વિપુલ ચૌધરીએ સોઢીને અંગ્રેજ ગણાવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને વિપુલ ચૌધરી વચ્ચે સમાધાન થયું હતું અને હવે તેના કારણે ચૌધરીના સૂર બદલાયા હતા.
અમૂલના એમડી પદેથી સોઢીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ વિપુલ ચૌધરી પણ હરકતમાં આવ્યા છે. વિપુલ ચૌધરીને અમૂલના ચેરમેન પદેથી હટાવવામાં સોઢીએ ભૂમિકા ભજવી હોવાનું કોઈનાથી અજાણ્યું નથી તો દૂધ સાગર ડેરીમાંથી પણ વિપુલ ચૌધરીને ચેરમેન પદેથી હટાવવા માટે સોઢીએ એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. હવે વિપુલ ચૌધરીને જામીન મળ્યા છે અને ચૂંટણી પહેલાં ભાજપ અને વિપુલ ચૌધરી વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે ત્યારે ચૌધરીના સૂર બદલાયા છે. તેમણે આજે સોઢી ઉપર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. દૂધ સાગર ડેરીની માન સાગર અને મોતી સાગર ડેરીની દિલ્હી સ્થિત ડેરીઓની ક્ષમતાનો વ્યવસ્થિત ઉપયોગ થશે. તેમણે સોઢીને અંગ્રેજ ગણાવતાં કહ્યું કે, અંગ્રેજો જેવી તેમની નીતિ હતી. ભાગલા કરો અને રાજ કરો, જે હવે બંધ થશે. દૂધમાં ઘટાડો છતાં પણ દિલ્હીમા પાવડર પ્લાન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિપુલ ચૌધરીએ વધુમાં કહ્યું કે, હું અમૂલનો ચેરમેન હતો ત્યારે દિલ્હીમાં ૩૨ લાખ લીટર દૂધ વેચાતું હતું જેમાંથી ૫૦ ટકા એટલે કે ૧૬ લાખ લીટર દૂધ સાગરનું વેચાતું હતું. દિલ્હીમાં આજે ૪૩ લાખ લીટર જેટલું માર્કેટ ઊંચું છે ત્યારે ફરીથી દૂધ સાગર ડેરીનું ૧૬ લાખ લીટર દૂધ વેચાય તેવી આશા રાખું છું. સોઢી અને વિપુલ ચૌધરી વચ્ચે છત્રીસનો આંકડો હતો તે કોઈનાથી અજાણ્યું નહોતું. હવે સોઢીની વિદાય બાદ મોકો મળતાં વિપુલ ચૌધરીએ આક્રમક તેવર બતાવ્યા છે.