• વર્તમાન ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ ૩૧ જાન્યુઆરીના પૂર્ણ થઈ રહ્યો છે
૬ જેટલા આઈપીએસ ડીજીપી બનવાની રેસમાં પણ કોનો નંબર લાગશે? અટકળો તેજ થઈ
ગાંધીનગર:
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. તેમણે જુલાઈ-૨૦૨૦માં ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં રાજ્યને નવા ડીજીપી મળી શકે છે. રાજ્ય સરકાર આશિષ ભાટિયાને ફરીથી સેવામાં ચાલુ રાખે તેવી શક્યતાઓ નહીવત છે. રાજ્યના નવા ડીજીપી કોણ હશે તેને લઈ અનેક અટકળો તેજ થઈ ગઈ છે અને મોસ્ટ સિનિયર છ આઈપીએસના નામ ડીજીપી બનવા માટે ચર્ચાઈ રહ્યા છે.
વર્તમાન ડીજીપી આશિષ ભાટિયાનો ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ ડીજીપી તરીકેનો કાર્યભાર સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે ગુજરાતને નવા ડીજીપી મળશે તે નક્કી છે. જે મોસ્ટ સિનિયર આઈપીએસના ડીજીપી તરીકે અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર, વિવેક શ્રીવાસ્તવ, અનિલ પ્રથમ અને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. અતુલ કરવાલ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે અને એનડીઆરએફના ડીજી પદે સેવા આપી રહ્યા છે. આ સિવાય વિકાસ સહાય ડીજી ટ્રેનિંગમાં છે. વિવેક શ્રીવાસ્તવ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે અને સેન્ટ્રલ આઈબીના જાેઈન્ટ ડાયરેક્ટર પદે સેવા આપી રહ્યા છે. ૧૯૮૭,૧૯૮૮ અને ૧૯૮૯ના છ આઈપીએસના ડીજીપી માટે નામ ચર્ચામાં ચાલી રહ્યા છે.
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી માર્ચ-૨૦૨૩માં નિવૃત્ત થઈ રહ્યા છે. અજય તોમર કે જેઓ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરી-૨૦૨૪માં પૂરો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીજીપીનો કાર્યકાળ પૂરો થાય તેના ત્રણ મહિના પહેલાં રાજ્ય સરકારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફર્સને સંભવિત ડીજીપીની નામની યાદી મોકલાવની રહેશે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલ, અજય તોમર અને સંજય શ્રીવાસ્તવ આ ત્રણ આઈપીએસમાંથી કોઈ પણ એક અધિકારીની નવા ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી શકે છે.