• વિધાનસભા સચિવાલયે પણ વિપક્ષી નેતાનું નામ જાહેર કરવા તાકીદ કરી
• કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પણ આ મામલે હાઈકમાન્ડને જાણ કરી
• કોંગ્રેસ ૧૯મી જાન્યુઆરી સુધી વિપક્ષી નેતાનું નામ જાહેર કરશે
• એકથી વધારે દાવેદારો હોવાથી મામલો હાઈકમાન્ડના દરબારમાં
ગાંધીનગર:
વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પણ રચાઈ ગઈ છે પણ કોગ્રેસ હજુ પણ પોતાના વિપક્ષી નેતા નક્કી કરી શકી નથી. આગામી મહિનામાં બજેટ સત્રની શરૂઆત થશે અને સંભવત ત્યારે જ વિપક્ષી નેતાના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસના ફાળે માત્ર ૧૭ બેઠકો આવી હતી અને તેમ છતાં પણ હજુ વિપક્ષા નેતાના નામ ઉપર સહમતિ સધાઈ શકી નથી. હવે વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને પત્ર લખ્યો છે અને ૩૦ દિવસની અંદર વિપક્ષી નેતાનું નામ જણાવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પણ હાઈકમાન્ડને આ અંગે જાણ કરી છે અને ૧૯મી જાન્યુઆરી સુધી વિપક્ષી નેતાનું નામ જાહેર કરવા માટે કહ્યું છે.
અગાઉ વિપક્ષી નેતા બનવા માટે ભારે રસાકસી જાેવા મળી હતી અને સી.જે.ચાવડાથી લઈ શૈલેષ પરમાર, કિરીટ પટેલના નામ ચર્ચાયા હતા. જાે કે, તેમાં પણ સહમતિ થઈ શકી નહોતી ત્યારે હવે તેમાં અનંત પટેલ અને તુષાર ચૌધરીના નામ ઉમેરાયા છે. આ બંને ધારાસભ્યો આદિવાસી વિસ્તારમાં ખાસ્સું એવું પ્રભુત્વ ધરાવે છે અને તુષાર ચૌધરી પાસે વિધાનસભાનો અનુભવ હોવાના નાતે તેમના ઉપર મંજુરીની મહોર વાગી શકે છે.સી.જે.ચાવડા પણ અનુભવી છે પણ ઉત્તર ગુજરાતના વિજાપુરથી ચૂંટણી જીત્યા છે અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ઉત્તર ગુજરાતમાંથી આવતા હોવાથી વિપક્ષી નેતાનું પદ અન્ય કોઈ ઝોનમાં આપવામાં આવી શકે છે અને તેમાં તુષાર ચૌધરી ફીટ બેસી રહ્યા છે.
અર્જૂન મોઢવાડીયા અગાઉ વિપક્ષી નેતા બનવા માટે ઈનકાર કરી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, વિપક્ષી નેતાનું પદ કેબિનેટ મંત્રી સમકક્ષ ગણાય છે અને નેતાને ગાડી, બંગલોથી લઈ તમામ સુવિધાઓ આપવામાં આવે છે જેથી કોંગ્રેસના ધારાસભ્યોને પણ આ સુવિધાઓ મેળવવા માટે વિપક્ષી નેતા બનવું છે જેથી સહમતિ સધાઈ શકી નથી. વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પણ કામ કરતી થઈ ચૂકી છે પણ કોંગ્રેસ હજુ વિપક્ષી નેતા નક્કી કરી શકી નથી. જેથી હવે વિધાનસભા સચિવાલય તરફથી કોંગ્રેસને પત્ર મોકલાયો છે અને એક મહિનામાં વિપક્ષી નેતાનું નામ જણાવવા તાકીદ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ હાઈકમાન્ડને આ અંગે જાણ કરી છે અનેે ૧૯મી જાન્યુઆરી સુધી વિપક્ષી નેતાનું નામ જાહેર કરવા માટે કહ્યું છે.