સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળીભરથાણા ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં
*હરીપ્રબોધમ્ યુવા મહોત્સવ* યોજાયો
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે હરી પ્રસાદસ્વામીના ૮૯મા પ્રાગટ્ય પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં *હરીપ્રબોધમ્ યુવા મહોત્સવ* યોજાયો હતો. યુવા મહોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારત તેમજ અમેરિકા, કેનેડા, જર્મની સહિત દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભકતો, યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુવા શક્તિના સહારે વડાપ્રધાનશ્રીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જે આ ઉપસ્થિત યુવાશકિતના પ્રચંડ પુરૂષાર્થથકી જ શકય બનશે. આજના યુવાનો તેજ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે.
વધુમાં મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, વ્યક્તિના ચારિત્ર નિર્માણમાં સંતોની મોટી ભૂમિકા રહેલી હોય છે. કલા, સંસ્કૃતિ અને શિક્ષણ સદાચારથી મળે છે. એલેકઝાન્ડરથી ચંન્દ્રગુપ્ત મોર્ય અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોના જીવન ઇતિહાસ વાંચન કરીયે ત્યારે સમર્થ ગુરુની સશકત ભૂમિકા જાણવા મળશે. સ્વામી વિવેકાનંદે ગુરુના સાંનિધ્યમાં રહીને સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની પતાકા લહેરાવી હતી. તેવી જ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ વિશ્વમાં ભારતનું નામ ઉચ્ચ શિખરે લઈ જવાનું કાર્ય ઉપાડયું છે. ગુજરાતની આધ્યાત્મિક અને સામાજીક સમૃધ્ધિમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરૂ યોગદાન છે.
વ્યકિતના ચારિત્ર્ય નિર્માણ, નિર્વ્યસની અને સદાચારી યુવાધન, પ્રમાણિક સમાજના નિર્માણમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સંપ્રદાયના સંતો, મહંતો, હરિભકતો ગમે તેવી કુદરતી અને માનવસર્જીત આફતોમાં હંમેશા આગળ આવીને રાહત કાર્યમાં અગ્રેસર રહે છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ અમૃતકાળમાં એક વિકસીત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસીત ભારતના સંકલ્પને સાકારિત કરવાનું ગુજરાતીઓનું લક્ષ્ય હોવાનું તેમણે કહ્યું હતું. રાષ્ટ્રના નિર્માણ માટે ભૌતિક વિકાસની સાથે માનવ વિકાસ જરૂરી હોવાનો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આ આત્મીય યુવા મહોત્સવ પ્રસંગે યુવાનો દ્વારા રજુ થયેલુ વ્યસનમુક્તિ અંગેનું સાંસ્કૃતિક નાટક સૌ ભક્તોએ નિહાળ્યું હતું.
પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ પ.પુ.હરિ પ્રબોધમ સ્વામીનું પુષ્પમાળાથી અભિવાદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ એન.આર.આઈ. હરિભકતો અને સાધુ સંતોએ સમૂહમાં મુખ્યમંત્રીશ્રીનું જાહેર અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યસર્વેશ્રી પૂર્ણેશ મોદી, કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સુરત સંગઠનના પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સામાજીક અગ્રણીઓ, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.