વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની બ્રાઝિલિયામાં વિવિધ સ્થળોએ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકો દ્વારા હુમલાના સમાચાર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારત બ્રાઝિલના સત્તાવાળાઓની સાથે છે. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ અને યુએન સેક્રેટરી જનરલે આ પ્રદર્શનોની નિંદા કરી છે.
વડા પ્રધાને સોમવારે એક ટ્વિટમાં કહ્યું, ‘હું બ્રાઝિલિયામાં સરકારી સંસ્થાઓ વિરુદ્ધ રમખાણો અને તોડફોડના સમાચારોથી ખૂબ જ ચિંતિત છું. દરેક વ્યક્તિએ લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલના સત્તાવાળાઓને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.
બ્રાઝિલિયામાંમાં શું થયું?
મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારે બોલ્સોનારોના સમર્થકોએ બ્રાઝિલિયામાં સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ ભવન અને અન્ય સ્થળોએ તોડફોડ કરી હતી. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા-ડા-સિલ્વાએ સત્તા સંભાળ્યાના એક અઠવાડિયા પછી બોલ્સોનારોના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. બોલ્સોનારોએ તેમની વિરુદ્ધ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યારથી તેમના સમર્થકો પ્રદર્શન કરી રહ્યા છે.
આંદોલનકારીઓની બોલ્સોનારોને ફરીથી પ્રમુખ બનાવવાની માગ
કથિત રીતે હજારો વિરોધીઓ બેરિકેડ તોડીને છત પર ચઢી ગયા, બારીઓ તોડી નાખી અને ત્રણ ઈમારતો પર ધસી ગયા. આમાંના ઘણા ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને સશસ્ત્ર દળોને દરમિયાનગીરી કરવા અને બોલ્સોનારોને ફરીથી પ્રમુખ બનાવવાની માગ કરી રહ્યા છે.
યુએસ પ્રમુખ, યુએન સેક્રેટરી જનરલે નિંદા કરી હતી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ ટ્વીટ કર્યું, ‘હું બ્રાઝિલમાં લોકશાહી પરના હુમલાની નિંદા કરું છું. બ્રાઝિલની લોકતાંત્રિક સંસ્થાઓ માટે અમારું સંપૂર્ણ સમર્થન છે અને બ્રાઝિલના લોકોની ઇચ્છાને ઓછી આંકવી જોઈએ નહીં. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે સોમવારે એક ટ્વિટમાં કહ્યું, ‘હું આજે બ્રાઝિલની લોકતાંત્રિક સંસ્થાઓ પર થયેલા હુમલાની નિંદા કરું છું. બ્રાઝિલના લોકો અને લોકશાહી સંસ્થાઓની ઇચ્છાનું સન્માન કરવું જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આવું થશે. બ્રાઝિલ એક મહાન લોકશાહી દેશ છે.