• એક જાગૃત નાગરિક દ્વારા ભુવા વિરુદ્ધ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
દાંતીવાડા નજીક આવેલા ગાગુન્દ્રા ગામે ધાર્મિક આસ્થા ધરાવતા એક વ્યક્તિ પાસેથી માતાજીની બાધા દૂર કરવાના બહાને એક ભુવાએ પ્રથમ 10 લાખ રૂપિયા માગ્યા બાદ બાદમાં દોઢ લાખ પડાવી લીધાની ઘટના સામે આવી છે. કહેવાય છે કે ભુવા એ આ બાબત અંગે શ્રદ્ધાળુને જો કોઈને વાત કરીશ તો તારું નખોદ વાળી દઈશ એવું કહીને ધમકી આપી હોવાથી દોઢ લાખની રકમ ગુમાવનાર ગરીબ પરિવાર કંઈ જ બોલવા તૈયાર નથી. પરંતુ બનાવની જાણ ગામના એક જાગૃત નાગરિકને થતા તેણે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકોને માતાજીના પ્રકોપ સહિતની બીક બતાવીને તેની નડતર દૂર કરવાના બહાના હેઠળ શ્રદ્ધાળુને આર્થિક રીતે નીચોવી લેવામાં આવતા હોવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. દાંતીવાડાના ગાગુન્દ્રા ગામે રહેતા એક ગરીબ શ્રમજીવી પરિવારને પણ માતાજીની બાધા નડી રહી છે તેવું કહીને એક ભુવાએ બાધા દૂર કરવા માટે દસ લાખ રૂપિયાનો ખર્ચો થશે તેમ કહ્યું હતું. પરંતુ ગરીબ પરિવારનો મોભી એટલી મોટી રકમ આપી શકે તેમ નહોતો એટલે કહેવાય છે કે તેણે માતાજીના પ્રકોપથી બચવા દોઢ લાખ રૂપિયા જેટલી રકમ ભુવાના ખોળામાં ધરી દીધી હતી. જોકે ગાગુન્દ્રા વિસ્તારમાં એક ચર્ચા એવી પણ છે કે બાકીની રકમ વસુલવા માટે ભુવો પરિવારને ધમકી આપી રહ્યો છે. આ બનાવ અંગે ગામના એક જાગૃત નાગરિકને જાણ થતા તેણે ભોગ બનનાર પરિવારને સમજાવીને ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.