રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં છેલ્લા 24 કલાકમાં ચોરીની ચાર અલગ-અલગ ફરિયાદ નોંધાઇ છે. જેમાં કોઈ મુસાફરનો મોબાઇલ ચોરાયો તો કોઈ મુસાફરનું દાગીના ભરેલું પર્સ ચોરાયું છે. જેને લઈને ભોગ બનનાર લોકોએ અમદાવાદ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉઠાવગીરોને પકડી પાડવા માટે દોડ લગાવી છે.
રેલવે સ્ટેશનથી રમેશ ઠાકોર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સે તેમની જાણ બહાર તેમનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. જે મામલે રામેશભાઈએ રેલવે પોલીસમાં 22,990 રૂપિયાના મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવી છે. વધુમાં રંધીર શર્મા નામના વ્યક્તિ પણ ટ્રેનમાં મુસાફરી કરવા ટ્રેનમાં ચઢવા જતા હતા, ત્યારે અજાણ્યા શખ્સે ભીડનો લાભ લઇ તેમનો મોબાઈલ પણ ચોરી લીધો હતો. જે મામલે રંધીર શર્માએ રેલવે પોલીસમાં 35,990 રૂપિયાના મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
• પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ઠાકરચંદ જૈન તેમના પત્ની સાથે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેમના પત્નીનું પર્સ ચોરી લીધું હતું. પર્સમાં દાગીના અને રોકડ સહિત 83,000ની કિંમતી વસ્તુઓ હતી. જેની ચોરી મામલે રેલવે પોલીસે ફરિયાદ નોંધી છે. પ્રદીપ દેવાંશી પ્લેટફોર્મ પર હાથમાં મોબાઈલ રાખીને સુઈ ગયા હતા. તે સમયે અજાણ્યો શખ્સ તેમનો 14,000 રૂપિયાનો મોબાઈલ ફોન ચોરી કરી ગયો હતો. જે મામલે રેલવે પોલીસે ફરિયાદ નોંધી છે. જે મુસાફરો સાથે ચોરી થઈ છે તે તમામ મુસાફરી અમદાવાદ બહારના છે અને તમામને રેલવે મુસાફરીનો કડવો અનુભવ થયો છે. જોકે રેલવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા તો પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ ચોર તત્વોના કોલર સુધી પોલીસના હાથ પહોંચશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.