ન્યુયોર્ક-દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 26 નવેમ્બરે બનેલી ચોંકાવનારી ઘટનાના દસ દિવસ બાદ, પેરિસ-દિલ્હીની ફ્લાઈટમાં એક નશામાં ધૂત પુરુષ મુસાફરે મહિલા મુસાફરના બ્લેન્કેટ પર કથિત રીતે પેશાબ કર્યાનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે લેખિત માફી માંગ્યા પછી તેની સામે કોઈ શિક્ષાત્મકકાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના 6 ડિસેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ 142માં બની હતી. વિમાનના પાયલટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આ અંગે જાણ કરી હતી, જેના પગલે પુરુષ પેસેન્જરને પકડી લેવામાં આવ્યો હતો. મુસાફર કયા વર્ગમાં મુસાફરી કરી રહ્યો હતો તે જાણી શકાયું નથી.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે વિમાન સવારે 9.40 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થયું હતું. આ દરમિયાન એરપોર્ટ મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી કે પુરુષ મુસાફર દારૂના નશામાં હતો. તે કેબિન ક્રૂની સૂચનાઓનું પાલન કરતો ન હતો અને બાદમાં તેણે મહિલા પેસેન્જરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો. પ્લેન લેન્ડ થતાની સાથે જ પુરુષ પેસેન્જરને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં બંને મુસાફરો વચ્ચે પરસ્પર સમજૂતી બાદ તેને જવા દેવામાં આવ્યો હતો. આરોપીઓએ લેખિતમાં માફી પણ માંગી હતી.
મહિલા મુસાફરે શરૂઆતમાં લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ બાદમાં પોલીસ કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો અને તેથી મુસાફરને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ એરપોર્ટની સુરક્ષામાંથી પસાર થવા દેવામાં આવ્યો હતો. આ ઘટના 26 નવેમ્બરની ઘટનાના બરાબર એક અઠવાડિયા પછી બની છે જેમાં ન્યૂયોર્ક-દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિએ મહિલા સહ-મુસાફર પર કથિત રીતે પેશાબ કર્યો હતો. પીડિતાએ એર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે, દિલ્હી પોલીસે હવે નવેમ્બરની ઘટનામાં એફઆઈઆર નોંધી છે અને આરોપીને પકડવા માટે ઘણી ટીમો બનાવી છે.