પોરબંદર જિલ્લામાં કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. ચીન સહીત દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના કેસો વધતા ભારત સરકાર એલર્ટ થઇ છે. રાજ્યોને કોરોના ટેસ્ટીંગ વધારવા અને વેક્સિનેશન ઝડપથી કરવા સૂચનો કર્યા છે. પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરે દૈનિક એક હજાર કોરોના ટેસ્ટીંગ કરવા તાકીદ કરી છે. જેની સામે નિયમીત ૪૦૦થી ૪પ૦ ટેસ્ટીંગ થઇ રહ્યાં છે. જિલ્લામાં છેલ્લા દશ દિવસ દરમિયાન ૪પ૭ર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો નથી.
ભારતના પાડોશી દેશોમાં કોરોના કેસો ફરી એકવાર વધી રહ્યાં છે. ખાસ કરીને ચીન જેવા મોટી વસ્તી ધરાવતા દેશમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે. આ સ્થિતી જોતા ભારત સરકારે હાઇલેવલ મીટીંગો યોજી હતી. ભારતમાં કોરોનાના કેસોમાં ફરી એકવખત ઉછાળો ન આવે તે માટે થઇને ભારત સરકારે તમામ રાજ્યોને કોરોના ટેસ્ટીંગ, વેક્સિનેશન ઉપર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં કોરોના ટેસ્ટીંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લા કલેકટરે આરોગ્ય વિભાગને દૈનિક એક હજાર ટેસ્ટીંગનો ટાર્ગેટ આપ્યો છે જેની સામે ૪૦૦થી ૪પ૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કલેકટરે આપેલ ટાર્ગેટની સામે ટેસ્ટીંગ તો ઓછુ થઇ રહ્યું છે પરંતુ રાહતના સમાચાર એ કહી શકાય કે જિલ્લામાં એક પણ કોરોનાના એક્ટિવ કેસ નથી. છેલ્લા દશ દિવસ દરમિયાન ૪પ૭ર લોકોના કોરોના અંગેના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતીએ એક પણ કેસ પોઝિટીવ નોંધાયો નથી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોરોનાના કેસ વધે નહી તે માટે મીટીંગોનો દોર પણ ચાલી રહ્યો છે. અધિકારીઓ દ્વારા કર્મચારીઓને તમામ પ્રકારની સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પોરબંદર શહેરની સરકારી ભાવસહજી હોસ્પિટલમાં કોરોના આઇસોલેશન વોર્ડ પણ કાર્યરત છે અને હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકની સુવિધા હોવાથી દર્દીઓને બેડ સુધી ઓક્સિજન સહેલાઇથી પહોંચાડી શકાય છે. હોસ્પિટલમાં પણ કોરોનાને લઇને મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલમાં ઓક્સિજન ટેંક, જરૂરી દવા અને સાધન સામગ્રી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના નાગરીકોને પણ આરોગય વિભાગે અપીલ કરી છે કે જિલ્લામાં કોરોનાના કેસ ફરી આવે નહીં તે માટે નાગરીકોએ પણ સહકાર આપવો પડશે. કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે.