Apna Mijaj News
અંતરની વ્યથા

કોંગી મહિલા અગ્રણી લાલઘુમ થયાં….

પ્રતિબંધ છતાં રાજ્યભરમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ

અમદાવાદમાં બિન્દાસ વેચાતી ચાઈનીઝ દોરી સામે કોંગ્રેસના મહિલા અગ્રણી લાલઘુમ

અલકાબેન બ્રહ્મભટ્ટે નારાજગી જતાવી કહ્યું, પોલીસની સાથે લોકોએ પણ આગળ આવવું પડશે

જનતાએ જ દોરી વેચનાર, ખરીદનાર અને વાપરનારની વિગત પોલીસ સુધી પહોંચાડવી જોઈએ

 

સંજય જાની: અપના મિજાજ ન્યુઝ

          ઉતરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય છે તેમ રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો જોર પકડી રહ્યો છે. પોલીસ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓને પકડી પાડીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ સનદી અધિકારીઓ તરફથી ચાઈનીઝ દોરી અને ટુકલો સહિતની ઘાતક ચીજ વસ્તુઓ વેચવા ઉપર પ્રતિબંધ લગાવતા જાહેરનામા દર વર્ષે કરવા પડે છે. પરંતુ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા પછી કામગીરીના નામે પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વેચાતી ઘાતક ચાઈનીઝ દોરી અંગે અમદાવાદ સ્થિત કોંગ્રેસના મહિલા આગેવાન અલકાબેન બ્રહ્મભટ્ટે પોતાની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો જનતા જ પોતે ચાઈનીઝ દોરી ખરીદે નહીં અને જે વેચાણ કરે છે અથવા તો ખરીદી કરે છે તેમના અંગેની વિગતો પોલીસને આપે તો આ ગેરકાનૂની ધંધા ઉપર લગામ લગાવી શકાય તેમ છે.

        રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના પૂર્વ ડિરેક્ટર અને કોંગ્રેસના અગ્રણી અલકાબેન બ્રહ્મભટ્ટે પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે જ્યારે પણ ઉતરાયણનો તહેવાર નજીક આવે છે. ત્યારે વહીવટી તંત્ર ઘાતક ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવાના જાહેરનામા પ્રસિદ્ધ કરે છે. એ પછી પોલીસ વિભાગ આ અંગે કાર્યવાહી કરતો જોવા મળતો હોય છે. પોલીસ દ્વારા કરાતી કામગીરીમાં અનેક વિસ્તારોમાંથી હજારો, લાખો રૂપિયાની ઘાતક ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી પાડીને જે તે વેપારી સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવે છે. જો કે તેમ છતાં અમુક વેપારીઓ ચોરી છુપીથી અથવા તો ખુદ પોલીસના જ અમુક અધિકારી કર્મચારીઓ સાથે સંબંધો સાચવીને ઘાતક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાના આક્ષેપો જનતામાંથી ઉઠતા રહ્યા છે અને સંભવત એટલે જ ચાઈનીઝ દોરી ના કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
        વર્તમાન સમયમાં અત્યાર સુધી ઘાતક ચાઈનીઝ દોરીના કારણે વડોદરા અને સુરતમાં નિર્દોષ નાગરિકોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ચાઈનીઝ દોરીના કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જોકે ચાઈનીઝ દોરીથી મૃત્યુની ઘટના સામે આવતા રાજ્યની વડી અદાલતે પણ સરકારને ફટકાર લગાવીને આ મુદ્દે ઠોસ કામગીરી કરવા ટકોર કરી છે. એટલું જ નહીં અદાલતે ઉમેર્યું છે કે ચાઈનીઝ દોરીથી નાગરિકોના મૃત્યુ થાય તે કોઈ પણ રીતે ચલાવી લેવાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના મહિલા અગ્રણીએ પણ આ બાબતે પોતાનો રોષ પ્રગટ કરતા કહ્યું છે કે જેમ ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંગેની વિગતો પોલીસને લોકો આપતા હોય છે તે રીતે જે કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરી વહેંચતો હોય કે તેનો ઉપયોગ કરતો હોય તેની માહિતી જો પોલીસને આપવામાં આવે અને પોલીસ કાનૂની કાર્યવાહી કરે તો જ સંભવત આ ઘાતક વ્યવસાય ઉપર રોક લાગી શકે તેમ છે. અન્યથા ચાઈનીઝ દોરીથી હજુ કેટલાય લોકોને પોતાના જીવ ગુમાવવા પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. એટલું જ નહીં અલકાબેન બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું કે જો પોલીસ સંપૂર્ણ નિષ્ઠાથી આ કામગીરી કરે તો ઘાતક ચાઈનીઝ દોરીનો વેપાર રોકી શકવો અશક્ય પણ નથી.

Related posts

ઊંઝાના આ માર્ગને ડામરથી મઢવા કોનું પેટ દુ:ખે છે?

ApnaMijaj

મહેસાણામાં ઢોર ‘રેઢિયાળ’ છે કે તંત્ર?

ApnaMijaj

મહેસાણા ઘરડાઘરના સંચાલકોનો આત્મા મરી પરવાર્યો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!